અમદાવાદ ટેસ્ટ માં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 480 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ ભારત સામે મોટી ઈનીંગ રમતા 180 રન ખડક્યા હતા. અક્ષર પટેલે તેનો શિકાર કર્યો હતો જેને લઈ તે પોતાની બેવડી સદી નોંધાવવાથી ચુકી ગયો હતો. ગુરુવાર અને શુક્રવાર એમ બંને દિવસે તેની રમત શાનદાર રહી હતી, જેને લઈ ઓસ્ટ્રેલિયા ભારત સામે વિશાળ સ્કોર પ્રથમ દાવમાં ખડકી શક્યુ હતુ. પરંતુ ખ્વાજાને અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોને બેવડી સદી ચૂકવાનો વસવસો રહ્યો હતો. જોકે ઉસ્માનની વિકેટ પડવાને લઈ તેની પત્નિનુ દિલ તૂટી ગયુ હતુ, તેનુ રિએક્શન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.
અક્ષર પટેલના બોલને રમવાના પ્રયાસમાં ઉસ્માન ખ્વાજાએ વિકેટ ગુમાવી હતી. અક્ષરનો બોલ ખ્વાજાના પેડ પર વાગતા જ આઉટની અપિલ કરવામાં આવી હતી અને જેને ફિલ્ડ અંપાયરે નકારી દીધી હતી. જોકે DRS લેતા રિવ્યૂમાં ઉસ્માન ખ્વાજા આઉટ જણાયો હતો અને તે બેવડી સદી નોંધાવવાનુ ચુકી ગયો હતો.
ઓલરાઉન્ડર અક્ષર પટેલનો બોલ ઉસ્માને લેગ સાઈડમાં રમવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન બોલ સિધો જ તેના પેડ પર વાગ્યો હતો. અક્ષર પટેલે તુરત જ LBW વિકેટની ખુશીઓ સાથે અપિલ કરી દીધી હતી. જોકે ફિલ્ડ અંપાયરે અક્ષર અને ભારતીય ખેલાડીઓની અપિલને નકારી દીધી હતી. જેને લઈ અક્ષરે રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા ચેતેશ્વર પુજારા સામે જોયુ હતુ. ત્યાર બાદ પુજારાએ પણ રિવ્યૂ માટે ઈશારો કરી દીધો હતો. જેમાં ઉસ્માન આઉટ હોવાનો નિર્ણય સામે આવ્યો હતો. ઉસ્માનની પત્નિ બેવડી સદી ચૂકવાને લઈ નિરાશ જોવા મળી હતી.
ભલે ઓપનર ઉસ્માન ખ્વાજા બેવડી સદી નોંધાવવાથી ચૂકી ગયો હોય પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ ભારત સામે નોંધાવ્યો હતો. ખ્વાજા ભારત સાામે 422 બોલની રમત રમ્યો હતો. ભારતમાં 400 કે તેથી વધુ બોલની રમત રમનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી તરીકે પોતાનુ નામ નોંધાવ્યુ છે. ઉસ્માન ખ્વાજા પહેલા ભારતમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ બોલ રમવાની ઈનીંગ ગ્રેહામ યાલોપે નોંધાવી હતી.
છેલ્લા 10 વર્ષમાં કોઈ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે 400 કે તેથી વધુ બોલનો સામનો કરીને ઈનીંગ રમ્યો હોય તેવો વિશ્વનો આ પહેલો ખેલાડી છે. આમ ઉસ્માન ખ્વાજા ભલે બેવડી સદી ચૂક્યો હોય પરંતુ મોટી ઈનીંગ રમ્યો હતો.
Published On - 6:33 pm, Fri, 10 March 23