નાગપુરમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો છે. ટોસ હારીને પણ ભારત માટે પ્રથમ દિવસ સારો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે ભારતીય બોલરોએ ટોસ હારીને પણ ઓસ્ટ્રેલિયાને પ્રથમ દિવસે જ પરેશાન કરી દીધુ હતુ. સ્પિનરો સામેની તૈયારીઓ કરીને મેદાને ઉતરેલી કાગારુ ટીમને નાગપુરમાં ઝડપી બોલરોએ મુશ્કેલ શરુઆત કરાવી હતી. ત્યારબાદ દુનિયાના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કમાલ કરતા 5 વિકેટ કરી હતી. અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માની અડધી સદી વડે ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 77 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 100 રનથી દૂર છે. જ્યારે હાથ પર 9 વિકેટ બાકી છે અને વિરાટ કોહલી અને સૂર્યકુમાર, જેવા બેટ્સમેનની રમત પણ બાકી છે. પ્રથમ બેટિંગ ઈનીંગમાં ઓસ્ટ્રેલિયા 177 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. આમ ભારતીય બોલરોએ પોતાની ફરજ જબરદસ્ત નિભાવી હતી. રોહિત અને કેએલ રાહુલની શાનદાર ભાગીદારી સાથે સારી શરુઆત ભારતને અપાવી હતી.
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ શરુઆત વ્હાઈટ બોલ ફોર્મેટની માફક જ કરી હતી. તેણે છગ્ગો જમાવવા સાથે ચોગ્ગા પણ સમયાંતરે જમાવતા રહી સતત રન નિકાળી રહ્યો હતો. બીજી તરફ બીજે છેડે ઓપનર કેએલ રાહુલ રક્ષણાત્મક રીતે રમત દર્શાવી હતી. રાહુલે લાંબો સમય ક્રિઝ પર પગ જમાવી રાખવાની રણનિતી મુજબ બેટ ચલાવી રહ્યો હતો. જ્યારે રોહિત શર્મા સ્કોર બોર્ડને આગળ ધપાવતો જઈ રહ્યો હતો. દીવસની રમતના અંતે રોહિત 56 રન સાથે રમતમાં હતો. તેણે આ દરમિયાન 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
કેએલ રાહુલ 71 બોલનો સામનો કરીને 20 રન નોંધાવી પરત ફર્યો હતો. તેણે રોહિતને સારો સાથ પૂરાવ્યો હતો. રાહુલને ડેબ્યૂટન્ટ બોલર મર્ફીએ પોતાની જ ડિલિવરી પર કેચ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વિકેટ મેળવી હતી. રવિચંદ્નન અશ્વિન નાઈટ વોચમેનના રુપમાં રમતમાં ત્રીજા ક્રમે આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ શરુઆતમાં પ્રથમ બે ઝટકા સહ્યા બાદ રમતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ કામ માનસ લાબુશન અને સ્ટીવ સ્મિથે કર્યુ હતુ. બંને ટીમનો સ્કોર આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજાએ કમાલની બોલિંગ કરતા સળંગ બે વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાનો મુશ્કેલીમાંથી ઉગરવાનો પ્રયાસ બગાડી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ ઈનીંગની 36મી ઓવરમાં જાડેજાએ પહેલા લાબુશેનની વિકેટ ઝડપી હતી. લાબુશેન 49 રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ એક રનથી અડધી સદી ચૂક્યો હતો. ભરતે ચપળતાથી સ્ટંપિંગ કરતા જે વિકેટની શોધ હતી એ પૂરી થઈ હતી.
જેના આગળના બોલ પર જાડેજાએ રેનશોને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો. ત્યાર બાદ સ્ટીવ સ્મિથને જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. સ્મિથ 37 રન નોંધાવી બોલ્ડ વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. સ્મિથે 107 બોલનો સામનો કર્યો હતો. હેન્ડ્સકોમ્બ (31 રન, 84 બોલ) અને મર્ફી (શૂન્ય રન, 5 બોલ) ને લેગબિફોર વિકેટ ઝડપી આઉટ કર્યા હતા.
શરુઆતમાં સિરાજે ઈનીંગની બીજી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી હતી. જ્યારે આગળની ઓવરમાં શમીએ ડેવિડ વોર્નરની વિકેટ ઝડપી હતી. બંને મળીને 2 રનના સ્કોર પર 2 વિકેટના ઝટકા પ્રવાસી ટીમને આપ્યા હતા. બાદમાં જાડેજા અને અશ્વિને ઓસ્ટ્રેલિયાને ઝડપથી સમેટવાની ભૂમિકા નિભાવી હતી.
અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. અશ્વિને એલેક્સ કેરીની વિકેટ ઝડપી હતી. જે 36 રન સાથે રમતમાં હતો અને આક્રમક અંદાજ દર્શાવી 7 ચોગ્ગા ફટકારી ચૂક્યો હતો. જોકે અશ્વિને તેને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. પેટ કમિન્સને 6 રનના વ્યક્તિગત સ્કોર પર કોહલીના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બોલેન્ડને 1 રનના યોગદાન પર જ બોલ્ડ કર્યો હતો. આમ 177 રનમાંજ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનીંગ સમેટાઈ ગઈ હતી.
Published On - 4:52 pm, Thu, 9 February 23