ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી નાગપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર ખડકીને કાંગારુઓ સામે 223 રનની વિશાળ સરસાઈ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ખડકવાની યોજના બનાવી હતી, પરંતુ ભારતીય બોલરોએ તે નિષ્ફળ બનાવતા માત્ર 177 રનમાં જ ઓસ્ટ્રેલિયન ટીમને સમેટી લીધી હતી. ત્યાર બાદ ભારતીય સુકાની અને ઓપનર રોહિત શર્માની શાનદાર સદી વડે ભારતે મોટી સરસાઈ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઈનીંગમાં મેળવી હતી.
ભારતની પ્રથમ ઈનીંગની શરુઆત મેચના પ્રથમ દિવસે શરુ થઈ હતી. બીજા દિવસે આખો દિવસ બેટિંગ કરવા દરમિયાન ભારતે દિવસની 6 વિકેટ ગુમાવી હતી. આમ ત્રીજા દીવસની રમતની શરુઆત 7 વિકેટના નુક્શાને 321 રનથી આગળ વધારી હતી. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બંને અડધી સદીની રમત સાથે આજની રમતને આગળ વધારી હતી.
શરુઆત ભારતને રોહિત શર્માએ સારી અપાવી હતી. ગુરુવારે પ્રથમ ઈનીંગની શરુઆત કરતા ભારતે એક વિકેટના નુક્શાન પર 77 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન 55 રન સાથે રોહિત શર્મા રમતમાં હતો. બીજા દિવસની રમત દરમિયાન રોહિત શર્માએ સદી પુરી કરી હતી અને ઓસ્ટ્રેલિયાની મુસીબત વધારી હતી. જોકે પુજારા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ઝડપથી વિકેટ ગુમાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે સરસાઈ વધારવાનુ અભિયાન જારી રાખ્યુ હતુ. અક્ષર પટેલે 9માં ક્રમે આવીને 84 રનની ઈનીંગ રમી હતી.
રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બંનેએ અડધી સદી નોંધાવી હતી. ત્રીજા દિવસ એટલે કે શનિવારે સવારે બંને અડધી સદીની પોતાની ઈનીંગ અને ટીમની રમતને આગળ વધારી હતી. બંને વચ્ચે 87 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જે ભારતીય ઈનીંગની સૌથી મોટી ભાગીદારી રમત રહી હતી. રવિન્દ્ર જાડેજા મહત્વના 70 રન નોંધાવીને પરત ફર્યો હતો. અક્ષર પટેલે પણ શાનદાર અડધી સદી નોંધાવી હતી. શમીએ 3 છગ્ગા સાથે 37 રનની ઈનીંગ રમી હતી. શમીને પણ મર્ફીએ પોતાના બોલ પર આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમમાંથી ટોડ મર્ફીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જ તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. મર્ફીએ ડેબ્યૂ મેચમાં જ ભારતીય સ્ટાર ખેલાડીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને તેણે આઉટ કર્યા હતા. જાડેજાને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધારવા સમયે જ તેણે બોલ્ડ કરીને વિકેટ હાંસલ કરી હતી. ઈનીંગમાં આ તેની છઠ્ઠી વિકેટ હતી. મર્ફીએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમતા પ્રથમ ઈનીંગમાં 7 વિકેટ ઝડપી હતી.
Published On - 11:30 am, Sat, 11 February 23