ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવી એક સાથે બે હારનો બદલો લેવાની સુવર્ણ તક

વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને આ મેચમાં ટીમ ભારતની એક સાથે બે હારનો હિસાબ સરભર કરવાનો પ્રયાસ કરશે. ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો.

ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવી એક સાથે બે હારનો બદલો લેવાની સુવર્ણ તક
World Cup 2003
| Updated on: Nov 17, 2023 | 12:34 PM

19 નવેમ્બરે બે વખતના ચેમ્પિયન ભારત અને પાંચ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મુકાબલો થશે. આ વખતે રોહિત શર્માની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા પાસે 20 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને આપેલા દર્દની બરાબરી કરવાની અને ઓસ્ટ્રેલિયન ચાહકોને તે દર્દનો અહેસાસ કરાવવાની તક છે.

વર્લ્ડ કપ ફાઈનલનો બદલો લેવાની તક

વર્તમાન ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં જોરદાર શરૂઆત કરી હતી. તેણે પોતાની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ત્યારથી આ ટીમ અજેય છે. કોઈ ટીમ તેને હરાવી શકી નથી. ટીમ ઈન્ડિયા એકતરફી મેચ જીતીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલમાં, તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થશે, જેને નોકઆઉટ મેચનો રાજા માનવામાં આવે છે, પરંતુ આ વખતે ભલે ગમે તે થાય, રોહિતે હિસાબ સરભર કરવા માટે મક્કમ રહેવું પડશે.

2003માં દિગ્ગજો વચ્ચે થઈ હતી ટક્કર

દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપની ફાઈનલમાં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી હતી જ્યાં ટીમ ઈન્ડિયાઓ સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આ ભારતીય ટીમમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, હરભજન સિંહ, અનિલ કુંબલે, ઝહીર ખાન, આશિષ નેહરા, જવાગલ શ્રીનાથ જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા.તો બીજી તરફ રિકી પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, ડેમિયન માર્ટીન, ડેરેન લેહમેન, ગ્લેન મેકગ્રા, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, બ્રેટ લી, મેકગ્રા જેવા મહારથીઓ હતા.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 140 રનથી હરાવ્યું હતું.

2003 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 140 રનથી હરાવ્યું હતું. પોન્ટિંગની તોફાની સદી, ગિલક્રિસ્ટની અડધી સદી, માર્ટિનના 88 રનના સહારે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે વિકેટ ગુમાવી 359 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 39.2 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

20 વર્ષ બાદ બદલો લેવાની તક

ભારતે ભલે 2011માં વર્લ્ડ કપ જીત્યો હોય પરંતુ 2003નું દર્દ દૂર ન થઈ શક્યું. 2011ના વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ તે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો હતો. આ વર્ષે વર્લ્ડ કપની ફાઈનલમાં બંને ટીમો ફરી સામ સામે છે, એવામાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ફાઈનલમાં હરાવી બદલો પૂરો કરવાની મોટી તક 20 વર્ષ બાદ ભારતને મળી છે.

23 અઠવાડિયા પહેલા ફાઈનલમાં મળી હતી હાર

રોહિતની ટીમ ઈન્ડિયા માત્ર 20 વર્ષ નહીં પણ 23 અઠવાડિયાનો બદલો લેશે. 23 અઠવાડિયા પહેલા 7 થી 11 જૂન 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટકરાઈ હતી. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયન ટીમે કેપ્ટન રોહિતની ભારતીય ટીમને 209 રને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું હતું. 23 અઠવાડિયા પહેલા રમાયેલી ફાઈનલમાં મળેલી હારનો બદલો અમદાવાદમાં પૂર્ણ થઈ શકે છે.

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી

ટીમ ઈન્ડિયાએ આખા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા કરતા ઘણી સારી ક્રિકેટ રમી છે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ ત્રણેય મોરચે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા માટે આ ટીમને હરાવવાનું સરળ નહીં હોય. બેટિંગમાં વિરાટ, રોહિત, શુભમન, શ્રેયસ દમદાર ફોર્મમાં છે, તો ટીમની સૌથી મોટી તાકાત તેની બોલિંગ બની છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરી વિરોધી ટીમના બેટ્સમેનોને હંફાવી નાખ્યા છે. એવામાં આ વખતે ભારત એક જ વારમાં બે હારનો બદલો લેવાની ભારત પાસે સારી તક છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ડી કોકની એક ભૂલ અને માર્કરામના આખોમાં આવી ગયા આંસુ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો