ભારતીય ટીમનો ઓપનર કેએલ રાહુલ (KL Rahul) કોરોના વાયરસનો શિકાર બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા પણ રાહુલ કોવિડ સંક્રમિત થઈ ચૂક્યો છે છે. જોકે રાહુલને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, પરંતુ તે T20 શ્રેણીનો હિસ્સો છે. આ બંને ટીમો વચ્ચે 29 જુલાઈથી પાંચ મેચની T20 સિરીઝ રમાશે. જોકે તે હાલમં એનસીએમાં છે અને જ્યા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનુ જણાયુ હતુ.
કેએલ રાહુલ આ અઠવાડિયે જ વેસ્ટ ઈન્ડિઝ જવાનો હતો, પરંતુ હવે એવું લાગે છે કે તે T20I શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની ઘર આંગણાની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે બહાર થઈ ગયો હતો. જે બાદ તે એનસીએ માં પોતાની ઈજા પર કામ કરી રહ્યો હતો.
BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રાહુલની ટી-20 સિરીઝ માટે પસંદગી કરી હતી, પરંતુ સાથે જ કહ્યું કે વિન્ડીઝ સિરીઝમાં તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, રાહુલ જો સંપૂર્ણ રીતે ફિટ રહે છે, ત્યારે જ તે વેસ્ટ ઈન્ડિઝની સિરીઝ માટે જવા માટે રવાના થઈ શકે છે. રાહુલે તાજેતરમાં એનસીએમાં વર્કઆઉટ કરતા તેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેનાથી એવું લાગે છે કે તે ફિટ છે અને વેસ્ટ ઈન્ડિઝ જવા માટે તૈયાર છે. જોકે તેનો ફિટનેસ ટેસ્ટ 24 જુલાઈએ થનારો હતો અને ત્યાર બાદ તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જનારો હતો.
રાહુલ IPL-2022 થી ક્રિકેટ રમ્યો નથી. તેણે આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી હતી. જે બાદ તે દક્ષિણ આફ્રિકા સામે રમી શક્યો ન હતો. જો રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝમાં રમી શકશે નહીં, તો તે ઝિમ્બાબ્વે સામે રમતા જોવા મળી શકે છે. આગામી મહિને ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડનારી છે.
Published On - 9:09 pm, Thu, 21 July 22