દક્ષિણ આફ્રિકાના બોલરે કેએલ રાહુલને આંખો દેખાડી, મળ્યો જડબાતોડ જવાબ

વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે મોટી ઈનિંગ્સ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં બદલી શક્યા નહીં. પરંતુ કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમી ટીમને ધબડકાથી બચાવી હતી. રાહુલને આઉટ કરવાના પ્રયાસ નિષ્ફળ જતા આફ્રિકન બોલરે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો જે બાદ રાહુલે જે જવાબ આપ્યો તે જોઈ ભારતીય ફેન્સને મોજ પડી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાના બોલરે કેએલ રાહુલને આંખો દેખાડી, મળ્યો જડબાતોડ જવાબ
KL Rahul
| Updated on: Dec 27, 2023 | 11:45 AM

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ સારી શરૂઆત કરી શકી નથી. દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. જો કે, કેએલ રાહુલે ઈનિંગ્સને સંભાળી અને ભારતને ઓલઆઉટ થવાથી બચાવ્યું. મંગળવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે આઠ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. રાહુલ 70 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

રાહુલને આઉટ કરવા સ્લેજિંગનો સહારો

રાહુલ સિવાય ભારતના તમામ સ્ટાર બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. રાહુલે આક્રમક બોલિંગ કરી રહેલ આફ્રિકાના બોલરોનો મજબૂત રીતે સામનો કર્યો અને પોતાની ઈનિંગમાં કેટલાક દમદાર શોટ પણ ફટકાર્યા. જે બાદ આફ્રિકન બોલરોએ રાહુલને આઉટ કરવા સ્લેજિંગનો સહારો લીધો હતો, જેનો રાહુલે તેની બેટથી જવાબ આપ્યો હતો.

રાહુલે હસીને આપ્યો મજેદાર જવાબ

આ દરમિયાન રાહુલને દક્ષિણ આફ્રિકાના બોલરોની સ્લેજિંગનો પણ સામનો કરવો પડ્યો અને આ બેટ્સમેને તેનો ખૂબ જ આરામથી જવાબ આપ્યો. દક્ષિણ આફ્રિકાનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર માર્કો યાનસેન ઘણો આક્રમક હતો. તેને વિકેટ મળી રહી ન હતી અને તેથી તે હતાશ હતો. તેણે રાહુલને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ટી બ્રેક પહેલા, યાનસેન ઓવર ફેંકી રહ્યો હતો અને રાહુલે આ ઓવરના એક બોલનો ખૂબ સારી રીતે બચાવ કર્યો. આના પર યાનસન સ્તબ્ધ થઈ ગયો અને તેણે આક્રમક વલણ બતાવ્યું અને રાહુલને કંઈક કહ્યું. રાહુલે યાનસન સામે જોયું અને હસ્યો.

ભારતની ઈનિંગને સંભાળી

રાહુલની આ ઈનિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ જરૂરી સાબિત થઈ છે. તેણે નીચલા ક્રમમાં શાર્દુલ ઠાકુર સાથે 43 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ટીમ ઈન્ડિયાને વહેલી ઓલઆઉટ થતી બચાવવામાં સફળ રહી અને આ સાથે રાહુલે પોતાની લય પાછી મેળવી લીધી. જોકે, ખરાબ પ્રકાશને કારણે દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાને આશા હશે કે રાહુલ તેની સદી પૂરી કરે અને ટીમને મજબૂત સ્કોર તરફ લઈ જાય.

આ પણ વાંચો : ખતરનાક પિચના કારણે મેચ રદ્દ, ધોનીને વિકેટ પાછળ બોલ પકડવામાં પડી મુશ્કેલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો