
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની ફિટનેસ સમસ્યાઓ વધી રહી હોય તેવું લાગે છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થાય તે પહેલાં પંતને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે, બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન, એક બોલ તેમના શરીર પર વાગ્યો, જેના કારણે તેમને સીરિઝ માંથી બહાર થઈ જવાની ફરજ પડી છે.
ટીમ ઈન્ડિયાના વૈકલ્પિક પ્રેક્ટિસ સત્ર દરમિયાન ઋષભ પંતને ઈજા થઈ હતી. થ્રોડાઉન નિષ્ણાતો સામે બેટિંગ કરતી વખતે, તેમને કમરની ઉપર વાગ્યો હતો, જેના પછી તેઓ મેદાન છોડી ગયા હતા. cricbuzzના અહેવાલ મુજબ, પંત હવે સીરિઝમાં ભાગ લઈ શકશે નહીં. તેમને KL રાહુલ પછી બીજા વિકેટકીપર તરીકે ભારતીય ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમ, ટીમને ટૂંક સમયમાં કોઈ રિપ્લેસમેન્ટની જરૂર નથી. જોકે, પસંદગીકારો આગામી દિવસોમાં પંતના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે.
પંત માટે આ ઈજા તેની સતત ફિટનેસ સમસ્યાઓનું બીજું ઉદાહરણ છે. તેને પહેલા પણ ઈજાઓ થઈ છે અને તેને સ્વસ્થ થવામાં સમય લાગ્યો છે. પંતને અગાઉ 2025ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે તેના જમણા પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે થોડા સમય માટે સીરિઝ માંથી બહાર રહ્યો હતો. ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે ટીમમાં પાછો ફર્યો હતો, પરંતુ ફરીથી ઈજાગ્રસ્ત થયો છે.
ઈશાન કિશન, જેને T20I સીરિઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેને ODI ટીમમાં પંતની જગ્યાએ તક મળી શકે છે. ઈશાન કિશન તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કરનારો રહ્યો છે. જેના કારણે તેને T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.
Published On - 7:30 am, Sun, 11 January 26