IND vs NED, T20 WC Match Preview : નેધરલેન્ડ સામે બે ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરશે ભારત

India Vs Netherlands, T20 World Cup 2022: ભારત અને નેધરલેન્ડ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વાર ટકરાયા છે, પરંતુ તે બન્ને ટક્કર ODI ક્રિકેટમાં થઈ હતી. તે બંને મેચમાં જીત ભારતની થઈ હતી.

IND vs NED, T20 WC Match Preview : નેધરલેન્ડ સામે બે ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરશે ભારત
Rohit Sharma and Virat Kohli doing net practice
| Edited By: | Updated on: Oct 26, 2022 | 10:42 AM

તમે એ કહેવત તો સાંભળી જ હશે, એક પંથ અને બે કાજ. હવે આ કહેવતને જરા સમજી લો, નેધરલેન્ડ (Netherland) સામે ભારતની ( India) મેચ પણ એવી જ રહેવાની છે. સિડનીમાં રમાનારી આ મેચમાં ભારત જીતવા માટે ફેવરિટની જેમ ઉતરશે. કારણ કે નેધરલેન્ડ્સ પાસે ભારતીય કેમ્પ જેટલો બહોળો અનુભવ નથી. ભારત આંતરરાષ્ટ્રીય અનુભવનો મહાસાગર છે, તો તેની સામે નેધરલેન્ડ અનુભવના અભાવે, એક નાની નહેર જેવું છે. હવે ટીમ ઈન્ડિયા આવી સ્થિતિનો લાભ કેમ ના ઉઠાવે ? આ જ કારણ છે કે તે આ એક મેચ સાથે તેના 2 ઉદ્દેશ્યોને પૂરા કરવાનું વિચારી રહી છે.


જો કે ભારત અને નેધરલેન્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત ટકરાયા છે, પરંતુ તે ટક્કર તેમની વન-ડે ક્રિકેટમાં થઈ હતી. તે બંને મેચમાં જીત ભારતની થઈ હતી. આ વખતે મેચ T20 ક્રિકેટની ઈન્ટરનેશનલ પીચ પર છે, જ્યાં પહેલીવાર બંને ટીમો આમને-સામને રમવાની છે.

નેધરલેન્ડ સામે ભારત 2 ઉદ્દેશ પૂરા કરશે

T20 વર્લ્ડ કપ 2022ની વાત કરીએ તો ભારત અને નેધરલેન્ડ બંનેની આ બીજી મેચ હશે. નેધરલેન્ડે તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી, જેમાં તે 9 રનથી હારી હતી. બીજી તરફ, ભારતે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું હતું.

હવે સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાના કયા બે ઉદ્દેશ્ય છે, જેને તેઓ નેધરલેન્ડ સામેની મેચમાં પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો અમે તમને જણાવી દઈએ કે ભારતનો એક ઉદ્દેશ્ય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજો સુપર 12માં ગ્રુપ 2 ના પોઈન્ટ ટેબલ સાથે સંબંધિત છે. જો ભારત નેધરલેન્ડ્સ પર વિજય અથવા મોટી જીત નોંધાવે છે, તો ભારતના બન્ને ઉદ્દેશ્યો પણ આપોઆપ પૂરા થતા જણાશે.

ભારતનો પ્રથમ ઉદ્દેશ

હવે ભારતના બંને ઉદ્દેશ્યોને વિગતવાર સમજીએ. ટી-20 ક્રિકેટમાં સિડનીમાં ભારતનું ખાતું હજુ ખૂલ્યું નથી. તેણે અહીં છેલ્લી અને એકમાત્ર T20 મેચ 10 વર્ષ પહેલા એટલે કે 2012માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેમાં તેનો પરાજય થયો હતો. એટલે કે જો તે નેધરલેન્ડને હરાવે છે તો T20 ઈન્ટરનેશનલમાં સિડનીમાં ભારતની જીતનું ખાતું ખુલી જશે.

ભારતનો બીજો ઉદ્દેશ

જો ભારત નેધરલેન્ડ સામે મોટી જીત નોંધાવે છે તો તેનો બીજો ઉદ્દેશ્ય પણ પૂરો થતો જોવા મળશે. કારણ કે તે પછી તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચે તેવી દરેક શક્યતાઓ હશે. હાલમાં, પાકિસ્તાન સામેની જીત છતાં, ભારતીય ટીમ સુપર 12 ના ગ્રુપ 2 ની પોઈન્ટ ટેલીમાં બાંગ્લાદેશ પછી બીજા સ્થાને છે. નેધરલેન્ડ સામેની જીત સાથે પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ ક્રમાકે પહોચી જશે.

Published On - 10:36 am, Wed, 26 October 22