ઈંગ્લેન્ડ (England)ની ટીમ હાલમાં ભારત સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ શ્રેણીની શરૂઆત પહેલાથી જ ભારતનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જો અંતિમ દિવસે વરસાદ ન આવ્યો હોત તો ભારત જીતી શક્યું હોત. બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત અત્યાર સુધી ઈંગ્લેન્ડના પ્રમાણમાં સારી રમત રમી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.
ભારતે કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma)ની શાનદાર ઈનિંગના આધારે 364 રન બનાવ્યા હતા. જો અત્યાર સુધી બંને ટીમોની રમત જોવામાં આવે તો ચોક્કસપણે ભારતનું પલડુ ભારે રહ્યું છે. જો કોઈ ઈંગ્લેન્ડ તરફથી ચાલ્યુ હોય તો તેના કેપ્ટન રુટ અને અનુભવી બોલર જેમ્સ એન્ડરસન. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન (Kevin Pietersen)ને લાગે છે કે આ સમયે માત્ર રુટ અને એન્ડરસન ભારત સામે રમી રહ્યા છે, ઈંગ્લેન્ડનો અન્ય કોઈ ખેલાડી નહીં.
રુટે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડને ઓછા સ્કોરમાં સમેટાઈ જતા બચાવી લીધું હતું. જ્યારે એન્ડરસને લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે વધારે મોટા સ્કોર કરતા ઈન્ડીયાને અટકાવ્યુ હતુ.
પીટરસન ઈંગ્લેન્ડના અન્ય ખેલાડીઓના પ્રદર્શનથી વધારે ખુશ નથી લાગતા. તેમણે રુટ અને એન્ડરસન સિવાય દરેક લોકોની ટીકા કરી હતી. પીટરસને ટ્વીટ કર્યું હતું કે “આ સમયે હકિકતમાં અત્યારે જિમી (જેમ્સ એન્ડરસન) અને જો રુટ ભારત સામે રમી રહ્યા છે. બીજા કોઈએ પણ આગળ આવીને જવાબદારી લેવાની જરૂર છે. STAND UP QUICK.
So it’s actually just Jimmy & Joe playing against India at the moment.
Someone else needs to stand up! And, STAND UP QUICK!— Kevin Pietersen🦏 (@KP24) August 14, 2021
બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો એન્ડરસનને પ્રથમ દાવમાં ઓલી રોબિન્સનનો થોડો ટેકો મળ્યો હતો. બાકીના ત્રણ બોલરો ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શક્યા નહોતા.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ભારતે તે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 183 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. આ પછી ભારતે 278 રન બનાવીને ઈંગ્લેન્ડ પર 95 રનની લીડ મેળવી લીધી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 303 રન બનાવ્યા હતા અને તેની પાછળનું કારણ તેમના કેપ્ટન રૂટની 109 રનની ઈનિંગ હતી. તેમણે ભારતને જીતવા માટે 209 રનનો પડકાર આપ્યો હતો. છેલ્લા દિવસે ભારત વરસાદને કારણે લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.