ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની પ્રથમ મેચ 4 ઓગસ્ટથી શરૂ થનારી છે. ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ટેસ્ટ શ્રેણી માટે સંભવિત ટીમ સમીકરણ જાહેર કર્યું નહોતુ. પરંતુ સંકેત આપ્યો હતો કે, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) નો ઉપયોગ નીચલા ક્રમે બેટિંગ કરવાની ક્ષમતાને કારણે થઈ શકે છે. જ્યારે રહાણેને પૂછવામાં આવ્યું કે ભારતીય બોલરોમાં કોણ શ્રેષ્ઠ બેટ્સમેન છે, જે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની જગ્યા ભરી શકે છે. ત્યારે રહાણે એ મુંબઈના તેના સાથી ખેલાડી શાર્દુલનું નામ લીધું હતુ.
શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ટેસ્ટ દરમ્યાન અડધી સદી રમવાની સાથે સાત વિકેટ પણ લીધી હતી. શાર્દુલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16.58 ની સરેરાશથી સાત અર્ધશતક ફટકાર્યા છે. શાર્દુલ ઠાકુર આઈપીએલ માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે રમે છે. અહીં તેની બેટિંગ વિશે ઘણી ચર્ચા છે. જોકે, તે અત્યાર સુધી આઈપીએલમાં બેટથી કમાલ કરી શક્યો નથી.
રહાણેએ કહ્યું, દરેક વ્યક્તિ અલગ પ્રકારના ખેલાડી હોય છે. હાર્દિકે 2018 માં જે કર્યું તે અમારા માટે અલગ હતું. શાર્દુલ બેટિંગ કરી શકે છે. તમે તેને ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરતા જોયો છે અને તેણે સ્થાનિક ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. (જસપ્રિત) બુમરાહ, (મોહમ્મદ) શમી, (મોહમ્મદ) સિરાજ, ઉમેશ (યાદવ) અને ઇશાંત (શર્મા) નેટ સત્રમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આગળ કહ્યુ, ઇનિંગ્સના અંતે આપણે જે પણ 20-30 રન બનાવીએ, તે ઘણાં મહત્વના છે. તે સારું છે કે તે નેટ સત્રમાં ઓછામાં ઓછી 10-12 મીનીટ બેટિંગ કરવા માંગે છે. જેના પરિણામ પાછળથી દેખાશે. અત્યારે આ પ્રક્રિયા અને આકરી મહેનત કપીને ટીમના સદસ્યના રુપમાં યોગદાન કરવુ મહત્વપૂર્ણ છે. અમે અમારા પૂંછડીયા બેટ્સમેનોના યોગદાનની અપેક્ષા કરી રહ્યા છીએ.
રહાણેએ કોઇનુ પણ નામ લીધા વિના કહ્યુ, બેટ્સમેોનએ પોતાની શૈલીમાં રમતને જારી રાખવી જોઇએ. તેણે ચેતેશ્વર પૂજારા તરફ ઈશારો કરતા ઇંન્ટેટ ને લઇને પુછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતુ. કે દરેક વ્યક્તિએ પોતાની શૈલીમાં રમવાનું ચાલુ રાખવું જોઈએ. જ્યાં સુધી ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સંદેશ ન આવે.
આગળ કહ્યુ, અમે સાથે બેઠા અને અમારી બેટિંગ યોજનાઓ પર ચર્ચા કરી, પરંતુ ઇંગ્લેન્ડમાં બેટ્સમેન માટે આ એક પડકારજનક પરીસ્થિતી છે. દરેકની જુદી જુદી યોજનાઓ હોય છે. રહાણેએ કહ્યું કે, તેમની ટીમ સંપૂર્ણ રીતે વાકેફ છે કે ઇંગ્લેન્ડમાં ઘાસ ધરાવતી પીચ હશે. ભારતીય ખેલાડીઓએ ઝડપી બોલરોના અનુકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની જરૂર છે. તેણે કહ્યું, અમે ઈંગ્લેન્ડને આ પ્રકારની વિકેટ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ તેમની ઘરેલુ ટક્કર છે અને અમે તેના વિશે વધારે વિચારતા નથી. અમને પીચની ચિંતા નથી.