ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે એવા સંકેતોને રદિયો આપ્યો હતો કે ગયા વર્ષે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) સામેની પિચના ઈન્ચાર્જ ક્યુરેટરે ભારતીય ટીમ (Indian Cricket Team) ના હિતોના વિરુદ્ધ “ઈરાદાપૂર્વક” કામ કર્યું હતું. એવા અહેવાલો હતા કે તે શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે પિચનો ચાર્જ સંભાળનાર તાપસ ચેટર્જીને તત્કાલીન ટીમ મેનેજમેન્ટ (કોચિંગ સ્ટાફ) દ્વારા પિચને પાણી ન આપવા અને ‘રોલિંગ’ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
એવું જાણવા મળ્યુ હતુ કે ચેટરજીને પાણી ન રેડવાનું અને પિચને રોલ ન કરવાનું કહેવામાં આવ્યું હતું જેથી ચેન્નાઈની ગરમીને કારણે તે તૂટી જાય અને બોલને પહેલા દિવસથી જ ઘણો ટર્ન મળવા લાગે. ચેટર્જીએ કથિત રીતે આ સૂચનોને ધ્યાન આપ્યું ન હતું અને તે સપાટ પીચ બની હતી જ્યાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારતીય બોલરો સામે રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડે સરળતાથી તે ટેસ્ટ મેચ જીતી લીધી હતી.
ચેટર્જી એ બીજી ટેસ્ટની પિચ પર કામ કર્યુ નહોતુ જેમાં ભારતે મેચ જીતીને બરાબરી કરી હતી. જો કે, BCCI આ મામલે તપાસ કરવાના મૂડમાં નથી અને વરિષ્ઠ અધિકારીએ આરોપોને નકારી કાઢ્યા. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે ભારતની હારેલી મેચની તપાસ કરવાની કોઈ યોજના નથી. ભારતે આગામી ત્રણ ટેસ્ટ જીતીને સીરીઝ 3-1 થી જીતી લીધી હતી.
આ મામલાની જાણકારી રાખનારા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “જો તત્કાલિન ટીમ મેનેજમેન્ટમાંથી કોઈએ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ માટે ઉપયોગમાં લેવાતી પિચમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હોય તો તેની તપાસ થવી જોઈએ.”
ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 227 રનના માર્જીનથી હરાવ્યું હતું. આ જીત પછી એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ 2012ની કહાનીનુ પુનરાવર્તન કરશે જ્યારે એલિસ્ટર કૂકની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડે ભારતને તેના જ ઘરમાં હરાવ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાએ પછીની મેચમાં વાપસી કરી અને 317 રનથી મેચ જીતી લીધી.
આ પછી અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી હતી. ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને એક દાવ અને 25 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું હતું જ્યાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.