IND vs BAN: રોહિત શર્માનો બાંગ્લાદેશ સામે છે જબરદસ્ત રેકોર્ડ, લયમાં પરત ફરવા શાનદાર મોકો

ભારતીય ટીમનો સુકાની રોહિત શર્માનો બાંગ્લાદેશ સામે ઓવરઓલ રેકોર્ડ સારો છે અને તે એજ પ્રમાણે ક્રિકેટ રમશે તો, ભારત માટે રાહતની વાત હશે.

IND vs BAN: રોહિત શર્માનો બાંગ્લાદેશ સામે છે જબરદસ્ત રેકોર્ડ, લયમાં પરત ફરવા શાનદાર મોકો
Rohit Sharma નો બાંગ્લાદેશ સામે વનડે રેકોર્ડ સારો
| Edited By: | Updated on: Dec 04, 2022 | 9:19 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે શ્રેણીની રવિવારથી શરુઆત થઈ રહી છે. પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાનારી છે. ભારતીય ટીમના સુકાની માટે આ શ્રેણી મહત્વની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ફોર્મની શોધમાં છે અને વર્ષની અંતિમ વ્હાઈટ બોલ સિરીઝમાં તે પોતાની લય પરત મેળવવા માટે તકના રુપમાં જોઈ રહ્યો હશે. કારણ કે હજુ આગામી વર્ષે ભારતીય ટીમ ઘર આંગણે આયોજીત થનારા વન ડે વિશ્વકપની આશા લગાવી રહી હશે.

વર્ષ 2022 રોહિત શર્મા માટે ખાસ રહ્યુ નથી. તે પોતાની શક્તિ પ્રમાણેનો દમ બેટ વડે દર્શાવી શક્યો નથી. તેના રનનો ટોટલ આંકડો પણ ઓછો છે, જે તેના નામ અને તાકાત સામે ખૂબજ સામાન્ય લાગી રહ્યો છે. રોહિત શર્મા વ્હાઈટ બોલ ક્રિકેટમાં સંઘર્ષની સ્થિતીમાં જોવા મળી રહ્યો છે. તે પોતાની લયને પરત મેળવવા માટે પ્રયાસો દર્શાવી ચુક્યો છે, પરંતુ કોઈ સફળતા મળી નથી. જોકે રેડ બોલ ક્રિકેટમાં પણ રોહિત શર્મા ખાસ કરી શક્યો નથી. આવી સ્થિતીમાં બાંગ્લાદેશ પ્રવાસ તેના માટે વર્ષનો રેકોર્ડ સુધારવા માટે એક મોકો બની રહેશે.

29 ટી20, 6 વનડે અને 3 ટેસ્ટ છતાં સ્કોર 1000ની અંદર

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આ વર્ષે પણ ખૂબ જ વ્યસ્ત જોવા મળ્યો છે. તેણે વર્ષ દરમિયાન ખૂબ ક્રિકેટ રમી છે. જોકે તે વચ્ચે વચ્ચે આરામ પર ટીમથી દૂર પણ રહ્યો છે. જોકે આમ છતાં પણ 38 ક્રિકેટ મેચો રમી ચૂક્યો છે. અને એમાં વર્ષ પૂર્ણ થતા વધુ 5 મેચો ઉમેરાશે. જોકે અત્યાર સુધીની 38 મેચ દરમિયાન તેના બેટથી રન અપેક્ષા કરતા ખૂબ જ ઓછા આવ્યા છે.

સુકાની રોહિત શર્માએ 29 ટી20 મેચો વર્ષ 2022માં રમી છે. જેમાં તેણે 656 રન નોંધાવ્યા છે. આ દરમિયાન 3 શાનદાર અડદી સદીઓ પણ નોંધાવી છે. રોહિતનો સ્ટ્રાઈક રેટ વર્ષ દરમિયાન ટી20 ફોર્મેટમાં 134.42 નો જોવા મળ્યો હતો. જ્યારે તે 6 વન ડે મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 171 રન નોંધાવ્યા છે. વન ડેમાં તેની સરેરાશ 34.20ની જ રહી છે. આ દરમિયાન રોહિતે 2 અડધી સદી પણ નોંધાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પણ રોહિતના આંકડા અપેક્ષાજનક નથી રહ્યા. તેણે 3 ટેસ્ટ મેચ જાન્યુઆરીથી અત્યાર સુધી રમી છે. જેમાં તેણે 90 રન બનાવ્યા છે. એટલે કે પ્રતિ મેચ તેની સરેરાશ માત્ર 30 રનની રહી છે. જે ખૂબ જ નબળી રહી છે.

વર્ષનો અંતિમ પ્રવાસ મહત્વનો મોકો

આવી સ્થિતીમાં હવે બાંગ્લાદેશનો પ્રવાસ ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા માટે મહત્વનો પૂરવાર થઈ શકે છે, જો એ મોકાના રુપમાં તક ઝડપે છે તો. રોહિત આ વર્ષ દરમિયાન ભારતીય ટીમનો સુકાની રહ્યો છે. આવી સ્થિતીમાં દબાણ અનુભવે છે કે શુ એ પણ સવાલ થવાની શરુઆત થઈ છે. જોકે બાંગ્લાદેશ સામે ઓવરઓલ રોહિતનો રેકોર્ડ સારો છે અને તે એજ પ્રમાણે ક્રિકેટ રમશે તો, ભારત માટે રાહતની વાત હશે. બાંગ્લાદેશ સામે તેણે 13 વન ડે મેચમાં 660 રન નોંધાવ્યા છે. એટલે કે 60 રનની સરેરાશથી રન નોંધાવ્યા છે. જેમાં 3 સદી અને 3 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જેમાંની એક સદી અને એક અડધી સદી બાંગ્લાદેશ સામેની અંતિમ 3 ઈનીંગ દરમિયાન જમાવ્યા હતા.