ભારતીય ક્રિકેટમાં પ્રતિભાની કોઈ કમી નથી. ડોમેસ્ટિક ક્રિકેટ પર નજર કરીએ તો તમને એકથી વધુ બેટ્સમેન જોવા મળશે. અદભૂત બોલિંગ જોવા મળશે. વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં ભારતના ભાવિ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. હવે ટૂંક સમયમાં તમે આ ખેલાડીઓને ભારતીય ODI ટીમમાં રમતા જોઈ શકશો. હવે તમે વિચારતા હશો કે કેવી રીતે?
વાસ્તવમાં, આવતા વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (Afghanistan Cricket Board) તેનો ફ્યુચર ટૂર પ્રોગ્રામ જાહેર કર્યો છે, જે મુજબ માર્ચમાં ભારત અને અફઘાનિસ્તાન (India Vs Afghanistan) વચ્ચે ODI શ્રેણી રમાશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત પોતાની B ટીમને અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતારશે. ટીમ ઈન્ડિયા (Team India) નું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. અફઘાનિસ્તાન સામે સારું પ્રદર્શન કરી રહેલા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad), વેંકટેશ અય્યર (Venkatesh Iyer) જેવા ખેલાડીઓને તક મળી શકે છે. તેમજ સંજુ સેમસન જેવા ખેલાડીઓ પણ વાપસી કરી શકે છે. સિરીઝમાં હજુ સમય છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારાઓને તક આપવાની વાત સામે આવી રહી છે.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. ગાયકવાડે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં સતત ત્રણ સદી ફટકારી હતી. આ સિવાય તે IPL 2021માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પણ જીતવામાં સફળ રહ્યો હતો.
વેંકટેશ અય્યરે પણ વિજય હજારે ટ્રોફીમાં બોલ અને બેટને લઈને હંગામો મચાવ્યો હતો. આ ઓલરાઉન્ડરે રવિવારે જ ચંદીગઢ સામે 151 રન બનાવ્યા હતા. અય્યરે પણ કેરળ સામે શાનદાર 112 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ વેંકટેશ અય્યરે 4 મેચમાં 8 વિકેટ ઝડપી છે. સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં આ ખેલાડીઓને તક મળે તેવી શક્યતા છે.
Published On - 8:45 am, Tue, 14 December 21