આગામી વનડે વિશ્વકપ 2023 ભારતમાં આયોજીત થનાર છે. આ માટેની તૈયારીઓ શરુ કરી દેવાામાં આવી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનાર વનડે વિશ્વકપને લઈ ફાઈનલ મેચની સંભવિત તારીખ સામે આવી ચુકી છે. જોકે હજુ સુધી વિશ્વકપની તારીખોનુ એલાન ICC દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવ્યુ નથી. જોકે વિશ્વકપની શરુઆત ઓક્ટોબરની 5 તારીખથી શરુ થઈ શકે છે અને ફાઈનલ મેચ 19 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ માટે BCCI એ વનડે વિશ્વકપની મેચોના આયાજન માટે કેટલાક સ્થળ પસંદ કરી લીધા હોવાના અહેવાલ છે. જે મુજબ ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચનુ આયોજન થઈ શકે છે.
BCCI દ્વારા જે સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સિવાય દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, ધર્મશાળા, ગુવાહાટી, લખનૌ, ઇન્દોર અને રાજકોટનો સમાવેશ માનવામાં આવી રહ્યો છે. વનડે વિશ્વકપ 2023માં કુલ 48 મેચોનુ આયોજન કરવામાં આવશે. જેમાંથી 3 મેચો નોકઆઉટ રહેશે. વિશ્વકપ 46 દિવસો સુધી ચાલશે. આ માટે અત્યારથી જ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન શરુ કરી દેવામાં આવ્યા છે.
બોર્ડ દ્વારા સ્થળની પસંદ કરવામાં આવી ચુકી છે, જેમાં ફાઈનલ મેચ પણ ક્યાં રમાશે એ નિશ્ચિત કરી લેવામાં આવ્યુ હોવાના મીડિયા અહેવાાલો સામે આવી રહ્યા છે. જે મેદાન પસંદ કરવામાં આવ્યા છે, ત્યા કઈ મેચ ક્યારે રમાશે એ તારીખ કે શેડ્યૂલ હજુ નક્કી નથી. આ અંગેનો નિર્ણય પણ હજુ કરવામાં આવ્યો નથી. આ માટેનુ કારણ ચોમાસાનુ માનવામાં આવી રહ્યુ છે. આ દિવસો દરમિયાન કેટલાક સ્થળો પર વરસાદના સંકટ રહી શકે છે.
વિશ્વકપ 2023 નુ શેડ્યૂલ હજુ સુધી જાહેર થયુ નથી. અગાઉ આ શેડ્યૂલ એકાદ વર્ષ પહેલાથી જ સામે આવી જતા હતા. આ માટે બે મુદ્દાઓ માનવામાં આવી રહ્યા છે. એક તો પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાને લઈ વિઝા અને બીજો ટેક્સની બાબત. આ બંને મુદ્દે ભારત સરકાર પાસેથી ગ્રીન સિગ્નલ મેળવવા જરુરી છે. આ કાર્યવાહી માટે લાંબો સમય રહ્યો છે. જોકે હવે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાને લઈ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે.
ગત સપ્તાહે દુબઈમાં આઈસીસીની બેઠક મળી હતી. જેમાં BCCI દ્વારા બતાવવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાની ખેલાડીઓને ભારતના વિઝા મળવામાં કોઈ પરેશાની નહીં આવે. આમ પાકિસ્તાની ખેલાડીઓ ભારતમાં વનડે વિશ્વકપ રમતા જોવા મળવા સાથે લાંબા સમય બાદ તેઓ ભારતમાં ક્રિકેટ રમતા જોવા મળશે.
આઈસીસી દ્વારા 2014માં ભારતીય ક્રિકેટ બોર્ડને ટી20 વિશ્વકપ 2016 અને 2021 તેમજ વનડે વિશ્વકપ 2023નુ આયોજન સોંપવામાં આવ્યુ હતુ. જોકે 2014માં આઈસીસીને એ વખતે કરારમાં ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટછાટ અપવાનની વાત રાખી હતી. જોકે બાદમાં આઈસીસીને ભારતીય અધિકારીઓએ 20 ટકા ટેક્સ આપવાનુ બતાવ્યુ હતુ. જોકે આ બાબતે હાલમાં અંતિમ સ્થિતી શુ છે એ અંગેની જાણ બીસીસીઆઈ દ્વારા આઈસીસીને કરવામાં આવશે.
Published On - 8:46 am, Wed, 22 March 23