ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ફરી એકવાર તેના શ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. વનડે અને ટી-20 વર્લ્ડ રેકિંગમાં નંબર-1 બન્યા બાદ હવે ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર -1 બનવા માટે મેદાન પર ઉતરશે. આજથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે નાગપુરમાં 4 મેચની ‘બોર્ડર ગાવસ્કર ટ્રોફી’ ટેસ્ટ સિરીઝ શરુ થવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુબ જ મહત્વની છે, કારણે કે આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો જ ભાગ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેંકિગમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલ 99 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમે 4માંથી 2 ટેસ્ટ મેચ જીતવી જરુરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 136 પોઈન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવી ચૂકી છે.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન ઓવલ, લંડન ખાતે રમાશે. તેના માટે રિઝર્વ ડે, 12 જૂન રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
આજથી શરુ થતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 1થી 5 માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. જ્યારે અંતિમ મેચ 9થી 13 માર્ચ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ સજ્જ છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરતા, સિરીઝ માટે ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ આ ટેસ્ટ સિરીઝને ફરીથી જીતવા ઉતરશે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી સતત 3 ‘બોર્ડર ગાવસ્કર ટ્રોફી’ સિરીઝ પોતાના નામે કરી હતી.’બોર્ડર ગાવસ્કર ટ્રોફી’ ટેસ્ટ સિરીઝનો ઈતિહાસ લગભગ 75 વર્ષ જૂનો છે. ચાલો જાણીએ ભારત-ઓસ્ટ્રેલિયાની આ ખાસ ટેસ્ટ સિરીઝની રસપ્રદ વાતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝથી વર્ષ 1947-48થી રમાઈ રહી છે. ભારતીય ટીમ દેશની આઝાદી બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે જ રમવા પહોંચી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડયો હતો. ત્યાર બાદથી જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ રસપ્રદ ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ. આ સિરીઝ માટે એક પછી એક ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરે છે.
પ્રથમ 7 ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 7માંથતી 6 ટેસ્ટ સિરીઝ જીતી હતી, જ્યારે 1 ડ્રો રહી હતી. વર્ષ 1979માં પહેલીવાર ભારતીય ટીમ 6 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી જીતી હતી. વર્ષ 1996માં પહેલીવાર આ સિરીઝનું નામ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રાખવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ભારતના દિગ્ગજ ક્રિકેટરોના સન્માનમાં આ ટેસ્ટ સિરીઝને નવું નામ આપવામાં આવ્યું હતું.
આ ટેસ્ટ સિરીઝના ઈતિહાસમાં ભારત 10 વાર સિરીઝ જીત્યું છે અને ઓસ્ટ્રેલિયા 12 વાર સિરીઝ જીત્યું છે. જ્યારે 5 વાર સિરીઝ ડ્રો રહી છે. આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતને વીવીએસ લક્ષ્મણ અને હરભજનસિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ મળ્યા હતા. દિગ્ગજ ભારતીય ક્રિકેટ સચિને આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે 3,235 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય દિગ્ગજ બોલર અનિલ કુંબલે એ સૌથી વધારે 111 વિકેટ લીધી છે.