
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ સાથે જ રહેશે કે, મુંબઈ ઈન્ડિયન્સમાં જશે? આ સવાલ છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટ રસિયાઓને ખૂબ જ સતાવી રહ્યો હતો. કારણ કે સવાલનો કોઈ જ સ્પષ્ટ જવાબ નહોતો. શું થશે અને હાર્દિક ગુજરાત ટીમ છોડશે કે કેમ તે અંગે ચર્ચાઓ પણ ખૂબ થતી રહી હતી. રવિવારે સાંજે તો એ પણ ચર્ચા શરુ થઈ ગઈ હતી કે, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો જ હિસ્સો હશે. પરંતુ સોમવારે સ્પષ્ટ થઈ ચુક્યુ છે અને સવાલના જવાબ પણ મળી ગયા છે.
જોકે આ દરમિયાન હવે સવાલ એ થવા લાગ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા ભલે પરત ફર્યો પરંતુ તેણે આવો નિર્ણય કેમ લીધો? ગુજરાત ટાઈટન્સ ટીમને ડેબ્યૂ કરતા જ ચેમ્પિયન બનાવવાનો શ્રેય હાર્દિકને નામે હતો, ગત સિઝનમાં એટલે કે ગુજરાત ટીમની બીજી સિઝનમાં પણ જબરદસ્ત પ્રદર્શન રહ્યુ હતુ. તો હવે તેણે આટલા સારા પ્રદર્શન કરતી ટીમની કેપ્ટનશીપ છોડીને મુંબઈની રાહ કેમ પકડી એ સવાલ જરુર થતો હશે. જોકે આ સવાલનો જવાબ ગુજરાત ટીમના ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ આપ્યો છે.
ગુજરાત ટાઈટન્સનુ પ્રદર્શન તેમની શરુઆતની બંને સિઝનમાં જબરદસ્ત રહ્યુ છે. પ્રથમ સિઝનમાં જ ગુજરાતના હાથમાં આઈપીએલ ટ્રોફી જોવા મળી હતી. જે ખૂબ જ મોટી વાત હતી. આ ટીમનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો હતો અને તેણે સતત બીજી સિઝનમાં પણ ગુજરાતને ફાઈનલની સફર કરાવી હતી. હવે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો છે. મુંબઈ ટીમમાં જોડાવવાના નિર્ણય અંગે ગુજરાત ટાઈટન્સના ક્રિકેટ ડાયરેક્ટરે વિક્રમ સોલંકીએ તેની વ્યક્તિગત મરજી દર્શાવી છે.
સોલંકીએ કહ્યુ હતુ કે, પ્રથમ કેપ્ટનના રુપમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતે તેમની આગેવાનીમાં જ પ્રથમવાર આઈપીએલ ટ્રોફી જીતી હતી. બાદમાં ફાઈનલમાં પણ સ્થાન તેમની જ આગેવાનીમાં મેળવ્યુ હતુ. તેમણે હવે પોતાની ઓરિજનલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા દર્શાવી છે. અમે તેમના નિર્ણયનુ સન્માન કરીએ છીએ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
આ દરમિયાન દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
— hardik pandya (@hardikpandya7) November 27, 2023
ટીમ બદલવાની ચર્ચા ખૂબ જ ચાલી હતી. જશે અને નહીં જાયની વચ્ચે હવે હાર્દિકે પોતાની અગાઉની ટીમમાં પરત ફર્યો છે. રવિવારે રિટેન્શન વિંડો બંધ હોવા સુધી હાર્દિક પંડ્યાનુ નામ ગુજરાતની ટીમ સાથે જ જોવા મળ્યુ હતુ. રિટેન્શન વિંડો એટલે કે ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાના નિર્ણય લેવા સુધીની સમય મર્યાદા.
જોકે પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવવાની બાદમાં પુષ્ટી થઈ છે અને આમ થવાનુ કારણ સત્તાવાર રીતે કાગળોની કાર્યવાહી બતાવવામાં આવી રહ્યુ છે. આ કાર્યવાહીમાં મોડુ થવા બદલ તેના અંગેની સ્પષ્ટતા મોડી થઈ છે. મુંબઈએ હાર્દિકને 15 કરોડ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડ્યો છે.
Published On - 6:44 pm, Mon, 27 November 23