ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે ટક્કર જામી હતી. IPL 2023 ની આ મેચમાં ગુજરાત સામે માત્ર 131 રનનુ ટાર્ગેટ હતુ જોકે આમ છતાં ગુજરાતની ટીમનો 5 રને પરાજય થયો હતો. ટીમનો સુકાની હાર્દિક પંડ્યા અંત સુધી ક્રિઝ પર હોવા છતાં ગુજરાતના હાથમાંથી મેચ સરકી ગઈ હતી. હાર્દિક ક્રિઝ પર હોય તો, જીત માટે જ ગુજરાતના ચાહકોને આશા હોય પરંતુ પાવર હિટર હોવા છતા હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક 19 ઓવર સુધી મેદાનમાં બેટિંગ ઈનીંગ દરમિયાન હાજર હતો અને તેની અડધી સદી વડે ટીમ લક્ષ્યની નજીક પહોંચી શકી હતી.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 8 વિકેટ ગુમાવીને દિલ્હીએ 130 રનનો સ્કોર 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો. જેમાં સૌથી વધારે અમન હકીમ ખાને નોંધાવ્યા હતા. તેણે 44 બોલનો સામનો કરીને 3 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 51 રન નોંધાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 27 અને રીપલ પટેલે 23 રન નોંધાવ્યા હતા.
પ્રથમ ઓવરમાં ટીમના શૂન્ય રનના સ્કોર પર જ ઓપનર રિદ્ધીમાન સાહાની વિકેટ ગુજરાતે ગુમાવી દીધી હતી. સાહા પ્રથમ ઓવરના અંતિમ બોલ પર આઉટ થયો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. ત્રીજા ક્રમે આવેલા હાર્દિક પંડ્યાને લઈ આસાન સ્કોર સામે ગુજરાતનો વિજય નિશ્ચિત હોવાની આશા બંધાઈ હતી. પરંતુ આ આશાઓ પર પાણી ફરી વળ્યુ હતુ. પૂરી 19 ઓવર સુકાની પંડ્યા બેટિંગ ઈનીંગ દરમિયાન મેદાનમાં હાજર રહ્યો હતો. તેણે મક્કમતા પૂર્વક એક છેડો સાચવતા ટીમને લક્ષ્ય તરફ આગળ વધારી હતી અને અડધી સદી નોંધાવી હતી.
પંડ્યાએ 53 બોલનો સામનો કરીને 59 રન હાર્દિક પંડ્યાએ અણનમ રહીને નોંધાવ્યા હતા. જોકે જીતના પાંચ રન બનાવવાથી તે દૂર રહી ગયો હતો. હાર્દિક પંડ્યાનુ ક્રિઝ પર હોવુ મતલબ જીતની આશા હતી. પરંતુ ટીમને નજર સામે હારતી હાર્દિક પંડ્યા જોતો રહી ગયો હતો. ટીમને જ્યાં સુધી લઈ આવ્યો ત્યાંથી અંતર સહેજ માટે ચૂકી જવાયુ હતુ.
જીત માટે 12 રનની જરુર ગુજરાતની અંતિમ ઓવરમાં હતી. ઓવરના પ્રથમ બોલે હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક પર હતો. સામે અનુભવી ભારતીય બોલર ઈશાંત શર્મા હતો. પ્રથમ બોલ લો વાઈડ ફુલ ટોસ હતો અને પંડ્યાએ ડીપ એક્સ્ટ્રા કવર પર બે રન મેળવી લીધા હતા. આગળનો બોલ યોર્કર હતો અને તેના પર ડીપ પોઈન્ટ પર સિંગલ રન લીધો અને અહીંથી મેચ બદલાઈ હતી. હવે હાર્દિક પંડ્યા નોન-સ્ટ્રાઈકર છેડે હતો. આગળની ઓવરના અંતિમ ત્રણ બોલ પર ત્રણ છગ્ગા જમાવનારો રાહુલ તેવટીયા સ્ટ્રાઈક પર હતો.
ઓવરના ત્રીજા બોલ પર તેવટીયા વાઈડ યોર્કર બોલ પર ડોટ બોલ રમ્યો હતો. વાઈડ માટે રિવ્યૂ લીધો પરંતુ બોલ યોગ્ય જ રહ્યો હતો. ચોથા બોલ પર ઈશાંતે રુસોના હાથમાં એક્સ્ટ્રા કવર પર તેવટીયાને કેચ ઝડપાવ્યો હતો. આમ હવે 2 બોલમાં 9 રનની જરુર રહી હતી. રાશીદ ખાન રમતમાં આવ્યો હતો અને તેણે વાઈડ યોર્કર પર પોઈન્ટ પર રમીને 2 રન લીધા હતા. આમ 7 રન અંતિમ બોલ પર રહ્યા હતા. અંતિમ બોલ પર રાશીદ માત્ર એક જ રન લઈ શક્યો હતો. આમ 5 રન થી દિલ્હીએ જીત મેળવી હતી અને અંતિમ ચાર બોલ હાર્દિક સામેના છેડેથી જોઈ રહેવા મજબૂર રહ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:19 am, Wed, 3 May 23