ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તેની વિસ્ફોટક બેટિંગ સિવાય તેની અદભૂત ચપળતા માટે પણ જાણીતો છે. તેણે ક્રિકેટના મેદાન પર અત્યાર સુધી ઘણા અદ્ભુત કેચ લીધા છે. પરંતુ આ વખતે બિગ બેશ લીગમાં એક એવો કેચ લીધો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા ગ્લેન મેક્સવેલે બ્રિસ્બેન હીટ સામે આ કેચ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બ્રિસબેન હીટની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 149 રન જ બનાવી શકી હતી. તેનું સૌથી મોટું કારણ ગ્લેન મેક્સવેલની ફિલ્ડિંગ હતી. ગ્લેન મેક્સવેલે મેચમાં કુલ 4 કેચ લીધા હતા. આ દરમિયાન તેનો છેલ્લો કેચ સૌથી અદભૂત હતો. વાસ્તવમાં, બ્રિસ્બેન હીટની ઈનિંગ્સની 17મી ઓવર સ્ટાર્સના બોલર ડેનિયલ લોરેન્સે ફેંકી હતી. આ ઓવરના પહેલા જ બોલ પર, બેટ્સમેન વિલ પ્રેસ્ટિજે સામે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, જે ઝડપથી લોંગ-ઓન તરફ ગયો.
GLENN MAXWELL!
CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb
— KFC Big Bash League (@BBL) January 1, 2025
જ્યારે વિલ પ્રેસ્ટિજે શોટ માર્યો ત્યારે એવું લાગતું હતું કે આ એક મોટો શોટ છે જે સિક્સર સુધી પહોંચશે, પરંતુ ગ્લેન મેક્સવેલ ત્યાં હાજર હતો, જેણે કૂદકો મારીને એક હાથે બોલને કેચ કર્યો. જેના કારણે તેણે બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો અને પછી તેના અંડરઆર્મ દ્વારા બોલને ફરી મેદાનમાં લાવ્યો. આ પછી ગ્લેન મેક્સવેલ મેદાનમાં પાછો ફર્યો અને કેચ પૂરો કર્યો. ગ્લેન મેક્સવેલે પોતાની ચપળતાથી આ મુશ્કેલ કેચને ખૂબ જ સરળ બનાવી દીધો હતો.
મેક્સવેલ માટે BBLની આ સિઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. આ મેચ પહેલા રમાયેલી 3 મેચમાં તે માત્ર 53 રન જ બનાવી શક્યો હતો. મેક્સવેલે બોલિંગમાં પણ માત્ર એક જ વિકેટ લીધી છે. તેણે બ્રિસ્બેન હીટ સામે બોલિંગ પણ કરી ન હતી.
આ પણ વાંચો: Video : ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી, વીડિયો થયો વાયરલ
Published On - 6:42 pm, Wed, 1 January 25