બુધવાર 13 ઓક્ટોબરનો દિવસ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે ખૂબ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. યુવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની આ ટીમ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ અંતિમ તબક્કાની નજીક આવીને હવે સંઘર્ષ કરી રહી છે. લીગ તબક્કામાં પ્રથમ ક્રમે આવનારી ટીમ ફાઇનલમાં પહોંચવા માટે મુશ્કેલીમાં છે. ટીમ સતત બે મેચ હારી છે અને હવે ફાઇનલમાં પહોંચવા માટે તેને બીજા ક્વોલિફાયરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને હરાવવું પડશે.
જોકે ટીમનું એકંદરે પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ઇન-ફોર્મ કોલકાતા સામે ટીમને બેટ અને બોલના પ્રદર્શન સિવાય એક વધુ વસ્તુની જરૂર છે. ટીમના સહાયક કોચ મોહમ્મદ કૈફે તે જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
પ્રથમ ક્વોલિફાયરમાં, દિલ્હી કેપિટલ્સ પાસે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ફાઈનલમાં પહોંચવાની તક હતી. પરંતુ ટીમને જીતની ખૂબ નજીક આવીને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલા જ, છેલ્લી લીગ મેચમાં પણ, ટીમ છેલ્લા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, મુશ્કેલ અને નાજુક પરિસ્થિતીઓમાં નિર્ણયો લેવાની અને દબાણ હેઠળ કામગીરી કરવાની ટીમની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે ટીમના સહાયક કોચ કૈફે કહ્યું છે કે ટીમ એ મગજ થી સ્પષ્ટ વિચારવાની જરૂર છે.
કોલકાતા સામેની નિર્ણાયક મેચ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં મોહમ્મદ કૈફે કહ્યું કે, ટીમને અગાઉની હાર ભૂલીને આ મેચમાં ઉતરવુ પડશે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું, કાલે મોટો દિવસ છે. બધું જ દબાણ સહન કરવા ઉપર છે. દરેક મેચમાં દબાણ હોય છે પરંતુ આ મેચમાં પડકાર અલગ છે. અમારે શાંત રહીને સ્પષ્ટ મન સાથે ઉતરવું પડશે. અમે સતત બે મેચ હારી છે પરંતુ પાછા ફરવુ મહત્વનું છે. અમારે KKR સામેની મેચમાં મળેલી અગાઉની હારને ભૂલી જવી પડશે. અમારી પાસે મેચ વિનર છે. અનુભવી અને ફોર્મમાં રહેલા ખેલાડીઓની કોઈ કમી નથી.
કોલકાતાએ પોતાની એલિમિનેટર મેચમાં બેંગ્લોરને છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે હરાવ્યું. આ સાથે જ દિલ્હીને પણ છેલ્લી ઓવરમાં ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દેખીતી રીતે, આવી સ્થિતિમાં, દિલ્હીએ ડેથ ઓવરોમાં પરિસ્થિતીને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો પડશે. જેથી ટીમ સતત બીજા વર્ષે ફાઇનલમાં જગ્યા બનાવી શકે અને ટાઇટલનો દાવો કરી શકે.