
મહિલા ક્રિકેટરો નો બાજરાકાબાટી વિસ્તારમાં ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો હતો. જેમાં 25 જેટલી મહિલા ક્રિકેટરો હિસ્સો બની હતી. ઓડિશા ક્રિકેટ સંઘ દ્વારા આયોજીત આ તાલીમ શિબીરનો હિસ્સો રાજશ્રી સ્વાંઈ પણ બની હતી. આ દરમિયાન રાજશ્રી ગત 11 જાન્યુઆરી એટલે કે ગત બુધવારથી ગુમ થઈ ગઈ હતી. તેની સ્થાનિક સ્તરે પ્રાથમિક શોધખોળની કાર્યવાહી સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. આ દરમિયાન કટક નજીક આવેલા જંગલ વિસ્તારમાં એક ઝાડ પર લટકતી હાલતમાં એક યુવતીની લાશ મળી આવી હતી. જેની તપાસ કરતા એ લાશ મહિલા ક્રિકેટર રાજશ્રી હોવાનુ ખૂલ્યુ હતુ.
ઘટનાને લઈ કટક ડીસીપી પિનાક મિશ્રાએ મોતને લઈ તપાસ હાથ ધરી હતી. તેઓએ મીડિયાને જાણકારી આપતા કહ્યુ હતુ કે, રાજશ્રીની લાશ અથાગઢ વિસ્તારમાં આવેલા ગુરુદિઝાટીયા જંગલમાં એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી હતી. રાજશ્રીના ગુમ થવા અંગે બુઘવારે જ સ્થાનિક મંગલાબાગ પોલિસ મથકમાં ગૂમ થયાની ફરીયાદ તેના કોચ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ મુજબ કોચને રાજશ્રીએ બતાવ્યુ હતુ કે, તે તેના પિતાને મળવા માટે પુરી જઈ રહી છે.
ડીસીપી મિશ્રાએ આગળ જણાવ્યુ હતુ કે, ગુરુદિઝાટિયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગેની પ્રાથમિક ફરીયાદ નોંધવામાં આવશે. હાલમાં પોલીસને મૃત્યુ અંગેનુ કોઈ જ સ્પષ્ટ કારણ જાણી શકાયુ નથી. તેમના પરીવારજનોએ રાજશ્રીનુ મોત હત્યા કરવાથી થયુ હોવાનો આરોપ કર્યો છે. આ માટે પરીવારજનોએ રાજશ્રીના શરીર પર ઈજાઓના નિશાન અને તેની આંખોને પણ ઈજાઓ થયેલી હોવાના કારણ આ માટે રજૂ કર્યા છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખી તપાસ કાર્યવાહી હાથ ધરશે.
પરીવારે કહ્યુ હતુ કે, રાજશ્રી બાજરાકાબાટી ક્ષેત્રમાં આયોજીત ટ્રેનિગ શિબિરમાં હિસ્સો લેવા માટે ગઈ હતી. આ ટ્રેનિંગનુ આયોજન ઓડિશા ક્રિકેટ સંઘ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આગામી નેશનલ કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈ તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તમામ 25 મહિલા ક્રિકેટરો કે જેઓએ શિબિરમાં હિસ્સો લીધો હતો તેઓ એક હોટલમાં રોકાયેલ હતી. જ્યાં રાજશ્રી પણ રોકાઈ હતી.
સપ્તાહની શરુઆતે જ ઓડીશા ક્રિકેટ સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જે ઘોષણા ગત 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. જોકે આ યાદીમાં રાજશ્રીનુ નામ સામેલ નહોતુ. આમ મૃત્યુ પહેલા જ રાજશ્રીને ટીમથી બહાર રાખવામાં આવી હતી. આમ પોલીસ આ વાતને લઈને પણ તપાસનુ એક પાસુ ચકાશી શકે કે, તેની પાછળ કોઈ ભેદભાવ હતો કે, પછી બહાર રહેવાથી લાગી આવ્યુ હતુ.