
ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વભરની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. જેમાં રમવા માટે દુનિયાભરના સ્ટાર ક્રિકેટરો આતુર હોય છે. તો વળી ભારતીય લીગ વડે ક્રિકેટમાં પોતાનુ પર્ફોમન્સ દર્શાવવા ઘરેલુ ક્રિકેટરો માટે વિશાળ પ્લેટફોર્મ ઘર આંગણે મળ્યુ છે. જેને લઈ અનેક ભારતીય ઘરેલુ ખેલાડીઓની કિસ્મત પલટાઈ ગઈ છે. દરેક ઓક્શન વખતે અનેક ખેલાડીઓ જમીનથી આસમાનમાં પહોંચ્યાનુ જોઈ શકાયુ છે. આઈપીએલની લોકપ્રિયતા અને તેમાં મોકો મળવાના ગર્વ લેવા માટે યુવા ખેલાડીઓ સપના જોતા હોય છે. આવા જ યુવા ખેલાડીને સપનુ બતાવી છેતરપિંડી આચરવાને લઈ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.
વાત ઉત્તરપ્રદેશના એક યુવા ખેલાડીની છે. લખનૌના આ ક્રિકેટરને એક શખ્શે તેને આઈપીએલમાં મોકો અપાવવાની વાત કહી હતી. આ માટે 17 લાખ રુપિયાની માંગણી કરી હતી. જેને લઈ તેને શરુઆતમાં પાંચ લાખ રુપિયા ક્રિકેટરે આપ્યા હતા અને તે છેતરપિંડીની ભોગ બન્યો હતો.
લખનૌના ક્રિકેટર અભિલેખ સિંહે આ અંગે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દર્જ કરાવી છે. ફરીયાદ મુજબ અભિલેખ સિંહે બતાવ્યુ છે તે, તેને વર્ષ 2019માં કેકે ઝા એટલે કે કૃષ્ણ કુમાર ઝા સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં થઈ હતી. જ્યાં તેને આરોપી ઝાએ આઈપીએલમાં બ્રેક અપાવવાની વાતો કરી હતી. તેણે તેને આ માટે મદદ કરવા માટે 17 લાખ રુપિયાની માંગ કરી હતી. જોકે આવડી મોટી રકમ અભિલેખ માટે શક્ય નહોતી.
જોકે ઝાએ તેને પહેલા એક સ્ટેટ વતી રમવાની ગોઠવણ કરી આપવા માટેની યોજના બતાવી. જે બાદ સ્ટેટથી તેને આઈપીએલમાં પહોંચાડવાની આખી વાત સમજાવી હતી. આ માટે સ્ટેટ માટેની ગોઠવણ કરવા માટે 5 લાખ રુપિયાની રકમની ડિલમાં યુવા ક્રિકેટને ફસાવ્યો હતો. બાદમાં આઈપીએલમાં લઈ જવાની વાતોની જાળ બિછાવી દીધી હતી.
આ દરમિયાન આરોપીએ ચેક દ્વારા રકમની ચુકવણી કરી હતી. જે રકમ ચુકવ્યા બાદ તેને ખૂબ રાહ જોવડાવ્યા બાદ અરુણાચલ પ્રદેશની ટીમ એક્સ્ટ્રાના રુપમાં સામેલ કર્યો હતો. જોકે તેને રમવા માટે કોઈ જ મોકો મળ્યો નહોતો. આઈપીએલના નિયમ મુજબ ઘરેલુ ક્રિકેટમાં ઓછામાં ઓછી એક મેચ રમવી જરુરી છે.
ઘરેલુ ક્રિકેટમાં એક પણ વાર રમવાનો મોકો નહીં મળતા ક્રિકેટર અભિલેખ સિંહે પૈસાની પરત માંગણીઓ શરુ કરી હતી. જોકે કેકે ઝાએ આ રકમ પરત કરવાને બદલે ધમકીઓના સૂરમાં વાત કરવી શરુ કરી હતી. પૈસાના બદલે ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ અપાતા આ મામલે ક્રિકેટરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પણ હવે આરોપીને ઝડપી લેવા માટે તૈયારીઓ શરુ કરી લીધી છે.