ભારત સામેની T20 શ્રેણીમાં વિજયની ઉજવણી કરી રહેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team)ને મોટો આંચકો લાગ્યો છે. બોર્ડે અનુશાસનના ભંગ બદલ ટીમના 3 ખેલાડીઓ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ આ સજા ફરમાવી છે. જે મુજબ કુસલ મેન્ડિસ (Kusal Mendis), નિરોશન ડિકવેલા (Niroshan Dickwella) અને દનુષ્કા ગુણથિલકા (Danushka Gunathilaka)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ સિવાય આ ત્રણેય ખેલાડીઓ પર ભારે દંડ પણ લગાવવામાં આવ્યો છે. ક્રિકેટ શ્રીલંકાએ આ મામલાની તપાસ અને સુનાવણી કરતી શિસ્ત સમિતિની ભલામણો બાદ પ્રતિબંધની જાહેરાત કરી હતી. ગયા મહિને શ્રીલંકા પ્રવાસ દરમ્યાન આ ત્રણ ખેલાડીઓ T20 શ્રેણીની હાર બાદ મોડી રાત્રે ડરહમની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. આ ત્રણ ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર કોઈએ પોસ્ટ કર્યો હતો.
ત્યારબાદ બાયો-બબલ અને કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યાનો ખુલાસો થયો હતો. તે વખતે શ્રીલંકા ક્રિકેટે ત્રણેય ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ તેમને ઈંગ્લેન્ડથી શ્રીલંકા પરત કરી દેવામાં આવ્યા હતા. આ કારણે તે ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમી શક્યા ન હતા. ઉપરાંત, તાજેતરમાં ભારત સામેની ઘરઆંગણાની વનડે અને T20 શ્રેણી માટે પણ તેની પસંદગી કરવામાં આવી નહોતી.
શ્રીલંકા ક્રિકેટ (SLC) શુક્રવાર, 30 જુલાઈએ ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ અને દંડની જાહેરાત કરી હતી. ખેલાડીઓને SLC દ્વારા નિયુક્ત નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની શિસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમિતિએ ડિકવેલા માટે 18 મહિનાના પ્રતિબંધ અને મેન્ડિસ અને ગુણથિલકા માટે બે વર્ષ પ્રતિબંધની ભલામણ કરી હતી.
જોકે SLCએ નિયંત્રણો હળવા કર્યા અને ત્રણેય ખેલાડીઓને એક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમની બાકીની એક વર્ષની સજા સ્થગિત કરવામાં આવી છે. આ સસ્પેન્ડ થયેલી સજા બે વર્ષ માટે માન્ય રહેશે. આ સમય દરમિયાન આ ખેલાડીઓએ ફરીથી નિયમોની અવગણના કરવાનું ટાળવું પડશે. જોકે આ ત્રણેય ક્રિકેટરો 6 મહિના પછી ઘરેલુ ક્રિકેટમાં પરત ફરી શકશે. આ સિવાય ત્રણે ખેલાડીઓ પર એક એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.