
ટીમ ઈન્ડિયા 10મી ડિસેમ્બરથી પોતાનું નવું મિશન શરૂ કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરઆંગણે હરાવવાનું છે. પહેલા T20 અને ODI સિરીઝ થશે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. જોકે ખરી કસોટી 26 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ બીજી એક ઘટનાની યાદ અપાવે છે, જે વિરાટ કોહલી સાથે સંબંધિત છે. કારણ કે જ્યારે ટીમ ઈન્ડિયા છેલ્લીવાર સાઉથ આફ્રિકા ગઈ હતી ત્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
હવે જ્યારે આ પ્રવાસ શરૂ થવાનો છે ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે આ તેમનો છેલ્લો વિદેશ પ્રવાસ હોઈ શકે છે. એટલે કે વિરાટ કોહલી નિવૃત્તિ તરફ આગળ વધી શકે છે, હવે જોવાનું રહેશે કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે અને શું વિરાટ કોહલી ખરેખર આવો ચોંકાવનારો નિર્ણય લેશે કે કેમ.
હકીકતમાં, તેના એક દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે કદાચ આપણે વિરાટ કોહલીને છેલ્લી વખત દક્ષિણ આફ્રિકામાં રમતા જોઈ રહ્યા છીએ અને આપણે તેને શાનદાર વિદાય આપવી જોઈએ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એબી ડી વિલિયર્સ લાંબો સમયથી વિરાટ કોહલી સાથે રહ્યો છે, બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે અને તેથી તે વિરાટ કોહલીને વધુ સારી રીતે સમજે છે.
એબી ડી વિલિયર્સે કહ્યું કે વિરાટ કોહલી તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે, તેથી જો તેણે T20 અને ODI શ્રેણીમાંથી આરામ લીધો છે, તે તેનો હકદાર છે. પરંતુ તે ટેસ્ટમાં પોતાની જોરદાર રમત બતાવશે, તેથી દક્ષિણ આફ્રિકાએ આ માટે તૈયાર રહેવું જોઈએ. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ એમ પણ કહ્યું કે કોહલીનો આ છેલ્લો પ્રવાસ હોઈ શકે છે, તેથી અમે તેને સારી વિદાય આપવા તૈયાર છીએ.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
T-20 વર્લ્ડ કપમાં હાર બાદ વિરાટ કોહલીએ T20 અને પછી ODIની કેપ્ટન્સી છોડી દીધી હતી. વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન તરીકે 2021-22ના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 1-2થી શ્રેણી હારી ગઈ હતી. આ પછી વિરાટ કોહલીએ ટ્વીટર પર એક લાંબો સંદેશ લખીને ટેસ્ટ સુકાની પદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 7 વર્ષ સુધી ટેસ્ટ ફોર્મેટ પર રાજ કર્યું અને દરેક મોટી ટીમને તેના ઘરમાં પરાજય આપ્યો. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હવે જ્યારે વિરાટ કોહલી બે વર્ષ પછી ફરી સાઉથ આફ્રિકા જઈ રહ્યો છે ત્યારે તે પૂર્વ કેપ્ટન અને માત્ર બેટ્સમેન છે.
35 વર્ષીય વિરાટ કોહલી તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે, જોકે એવી આશા ઓછી છે કે તે આટલી જલ્દી ટેસ્ટ ક્રિકેટ છોડવા માંગશે. જો કે તે કોઈપણ એક ફોર્મેટ છોડીને આગળ વધી શકે છે અને તે T20 અથવા ODI ફોર્મેટ હોઈ શકે છે. આ બધી વાતો હજી અટકળો જ છે, અંતિમ નિર્ણય વિરાટ કોહલી જ લેશે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20માં શેફાલીની ફિફ્ટી ન આવી કામ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કારમી હાર
Published On - 6:59 am, Thu, 7 December 23