
યુપી બ્રિજ સ્ટાર્સે બિગ ક્રિકેટ લીગ સીઝન 2નો ખિતાબ જીત્યો છે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટસ કોમ્પલેક્સમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં યુપી બ્રિજ સ્ટાર્સે ગુજરાત ડાયમન્ડને 5 રનથી હરાવ્યું હતુ. લીગની 2 ટીમો વચ્ચે રમાયેલી ફાઈનલ ખુબ રોમાંચક રહી હતી. અંત સુધી મેચ રસપ્રદ રહી હતી.
મેચમાં ટોસ જીતી ગુજરાત ડાયમંડસે યુપી બ્રિજ સ્ટાર્સને પહેલા બેટિંગ માટે મેદાનમાં ઉતાર્યું હતુ. યુપી બ્રિજ સ્ટાર્સે પહેલા રમતા 20 ઓવરમાં 8 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. યુપી બ્રિજ સ્ટાર્સ દ્વારા સૌથી વધારે રન ચિરાગ ગાંધીએ બનાવ્યા હતા. તેમણે 45 બોલમાં 76 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.
હવે ગુજરાત ડાયમંડસની સામે 167 રનનો ટાર્ગેટ હતો. આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સંધર્ષ અંત સુધી જોવા મળ્યો હતો. તેમ છતાં જીત 5 રનથી દુર રહી હતી. ગુજરાત ડાયમંડ્સ દ્વારા જેસલ કારિયાએ 40 બોલમાં 48 રન બનાવ્યા હતા. જ્યારે એડેલા ગુરુરત્ને 25 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતુ. તેમ છતાં ગુજરાતની ઈનિગ્સ 161 પર રોકાય હતી.
ફાઈનલ મેચમાં અનેક રોમાંચક બઝર જોવા મળ્યા હતા. હાર્દિકે સતત 2 વખત 3 ડોટ બોલનો ચેલેન્જ લીધો હતો. મનોજે 39 રનનો ચેલેજ પસંદ કર્યો હતો. જ્યારે વિશાલ ગુર્જર અને જતિન સૈનીએ 3 ડોટ બોલનો ચેલેન્જ સ્વીકાર્યો હતો. તો જતિન માવીએ 2 વિકેટ અને 3 વિકેટની સાથે ચેલેન્જ સ્વીકાર્યો હતો. તેમણે 3 વિકેટ વાળી ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરી ફાઈનલમાં વિશેષ છાપ છોડી હતી.
ગુજરાત ડાયમંડસ પર જીતની સાથે યુપી બ્રિજ સ્ટાર્સે બિગ ક્રિકેટ લીગ સીઝન 2ની ટ્રોફી પોતાને નામ કરી હતી. પોતાનું નામ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં નોંધાવ્યું છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના મતે, “રમતગમત રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને બિગ ક્રિકેટ લીગ જેવી પહેલ પાયાના સ્તરે રમતગમતની પ્રતિભાને ઉછેરવામાં નોંધપાત્ર ફાળો આપે છે. ખેલાડીઓ અને દર્શકોનો ઉત્સાહ ભારતના મજબૂત રમતગમત ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે.” તેમણે આ સફળ કાર્યક્રમ માટે BCLના આયોજકોને વધુમાં અભિનંદન આપ્યા.
બિગ ક્રિકેટ લીગ સીઝન 2નું સમાપન યાદગાર ફાઈનલની સાથે થયું હતુ. જેનાથી ઉભરતા ક્રિકેટ પ્રતિભાને એક નવી ઓળખ આપી અને દેશમાં ક્રિકેટના વિકાસ માટે લીગની પ્રતિબદ્ધાતને મજબુત કરી હતી.