
ન્યુઝીલેન્ડમાં ત્રીજી વન-ડે (ODI) મેચ બાદ, ભારતીય ટીમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરવા માટે વેલિંગ્ટન ગયું, જ્યારે બીજું જૂથ વન-ડે શ્રેણીની છેલ્લી બે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચ્યું. માઉન્ટ મૌંગાનુઈ ગયેલા જૂથની મુસાફરી સુખદ રહી અને ત્યાં તેમનું પરંપરાગત ‘હાકા’ (Haka) નૃત્ય સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું. જોકે, શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને અંશુલ કંબોજ સહિત 8-10 સભ્યો ધરાવતી ટેસ્ટ ટીમને વેલિંગ્ટનમાં ઉતરતા પહેલા એક ભયાનક અનુભવમાંથી પસાર થવું પડ્યું.
‘રેવસ્પોર્ટ્સ’ (Revsportz) ના અહેવાલ મુજબ, ભારતીય ટેસ્ટ ટીમના સભ્યો હેમિલ્ટનથી વેલિંગ્ટન જવા માટે એર ન્યુઝીલેન્ડની ફ્લાઈટ NZ5817 માં રવાના થયા હતા. ખેલાડીઓ ઉપરાંત, આ ફ્લાઈટમાં સપોર્ટ સ્ટાફ પણ હતો, જેમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલનો સમાવેશ થાય છે. વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 11:43 વાગ્યે હેમિલ્ટનથી ઉડાન ભરી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ જેમ જેમ વિમાન વેલિંગ્ટન એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે તેને જોરદાર પવન અને હવામાં અસ્થિરતા (turbulence) નો સામનો કરવો પડ્યો, જેના કારણે લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો અને ફ્લાઈટ 26 મિનિટ સુધી આકાશમાં જ આટા મારતુ રહ્યું.
વેલિંગ્ટન એરપોર્ટ તેની આસપાસની ટેકરીઓને કારણે વિશ્વના સૌથી પડકારજનક એરપોર્ટમાંનું એક ગણાય છે. બપોરે લગભગ 12:45 વાગ્યે, જ્યારે વિમાન રનવેથી થોડા સો ફૂટ ઉપર હતું, ત્યારે તેજ પવનના ઝાપટાં અને હવામાં અસ્થિરતાને કારણે પાઈલટોએ લેન્ડિંગનો પ્રયાસ પડતો મૂકવો પડ્યો. ત્યારબાદ તેમણે ‘ગો-અરાઉન્ડ’ (go-around) પ્રક્રિયા અપનાવી—એટલે કે લેન્ડિંગનો પ્રયાસ રદ કરીને વિમાનને ફરીથી હવામાં ઉપર લઈ ગયા.
વિમાન ફરીથી 5,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પહોંચ્યું. પવન શાંત થયા પછી, પાઈલટોએ ટીમ ઈન્ડિયાને લઈ જઈ રહેલા વિમાનને ઉતારવાનો બીજો પ્રયાસ કર્યો જે આ વખતે સફળ રહ્યો. ભારતીય ટેસ્ટ ખેલાડીઓને લઈ જતું આ વિમાન આખરે બપોરે 1:06 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થયું, જે નિર્ધારિત સમય કરતાં લગભગ 26 મિનિટ મોડું હતું.
જોકે ભારતીય ખેલાડીઓએ હવામાં કેટલાક ચિંતાજનક ક્ષણોનો સામનો કર્યો હતો, પરંતુ સદભાગ્યે, હવામાં આવેલા આંચકાઓ (turbulence) દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી કે સામાન્ય ઉઝરડા પણ પડ્યા ન હતા. સુરક્ષિત અને સફળ લેન્ડિંગ બાદ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 19 નવેમ્બરથી શરૂ થવાની છે, જેમાં પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે.