
ODI શ્રેણીમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ T20 શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠો ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 રનથી જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી. આ જીત સાથે કાંગારૂ ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ અને કૂપર કોનોલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યારબાદ મેથ્યુ રેનશો અને ટિમ ડેવિડે ઇનિંગ સંભાળી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક રમત દાખવી અને બાંગ્લાદેશના બોલરો પર દબાણ બનાવ્યું.
મેથ્યુ રેનશોએ 52 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં અનેક આકર્ષક શોટ્સનો સમાવેશ થયો હતો. બીજી તરફ ટિમ ડેવિડે માત્ર 26 બોલમાં 45 રન ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. બંનેએ મળીને 9 છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયા 196 રનના પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યું.
A well-rounded performance from Australia
Matt Renshaw’s 89 helped set up the game, before the bowlers held firm & despite a few counterattacks, secured the series pic.twitter.com/hmVDrdRJPL
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2026
197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. તન્ઝીદ હસન તમીમે ઝડપી 30 રન બનાવ્યા હતા, જ્યારે સૈફ હસને 42 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન તૌહીદ હૃદયોય અને પરવેઝ હુસૈન એમોને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.
ઓસ્ટ્રેલિયાના બોલરોએ અંતિમ ઓવરોમાં દબાણ જાળવી રાખ્યું હતું. એરોન હાર્ડીએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે નાથન એલિસ, જોએલ ડેવિસ અને મેથ્યુ રેનશોએ એક-એક વિકેટ મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 મેચ 21 જૂને રમાશે, પરંતુ શ્રેણીનો નિર્ણય પહેલેથી જ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં આવી ચૂક્યો છે.
Published On - 5:45 pm, Fri, 19 June 26