On This Day: ઈંગ્લેન્ડ સામે ભારતીય સ્પિનરે સળંગ 21 ઓવર મેડન કરી, હજુ સુધી રેકોર્ડ કોઈ તોડી શક્યુ નથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મદ્રાસ ટેસ્ટમાં બાપૂએ એ આ કમાલ કર્યો હતો. સળંગ 21 ઓવર સુધી કોઈ જ રન આપ્યો નહોતો. તેઓએ ઈનીંગમાં 31 ઓવર કરીને માત્ર 5 રન જ આપ્યા હતા.

On This Day: ઈંગ્લેન્ડ સામે ભારતીય સ્પિનરે સળંગ 21 ઓવર મેડન કરી, હજુ સુધી રેકોર્ડ કોઈ તોડી શક્યુ નથી
Bapu Nadkarni નો મેડન ઓવર રેકોર્ડ અતૂટ
| Edited By: | Updated on: Jan 12, 2023 | 8:58 AM

ભારતીય ક્રિકેટરોના કમાલ વર્ષો લગી અતૂટ રહ્યાના કેટલાક ઉદાહરણ આજેય મોજૂદ છે. દરેક વખતે રન નિકાળવા કે પછી વિકેટો ઝડપી લેવી એ માત્ર જ ક્રિકેટમાં કમાલ નથી હોતો. કરકસર ભરી બોલિંગ કરીને હરીફ ટીમને મુશ્કેલીમાં મુકી દેવી એ પણ ગજબનો કમાલ હોય છે. છ દાયકા અગાઉ મદ્રાસ ટેસ્ટ એટલે કે આજના ચેન્નાઈમાં ભારતીય સ્પિનરે આવુ જ અદ્ભૂત કર્યુ હતુ, જે વિક્રમ આજેય અતૂટ છે. આજની તારીખે જ 1964માં ભારતીય ટીમના સ્પિનર રમેશચંદ્ર નાડકર્ણીએ સળંગ 21 ઓવર મેડન કરી હતી.

આજના દિવસે આ કમાલને યાદ કરવો જરુરી છે. ભારતીય ક્રિકેટના બોલરો માટે આ વિક્રમ ગૌરવશાળી છે. પ્રોત્સાહન આપનારો છે. ડાબોડી સ્પિનર રમેશચંદ્ર નાડકર્ણીને બાપૂ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ એકદમ ચોક્કસ લાઈન અને લેન્થ પર બોલિંગ કરતા હતા. તેને લઈ તેઓ ક્રિકેટમાં જાણિતા હતા. તેઓને બીજી રીતે રનનો દુકાળ પેદા કરનારા તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેમને સટીક લાઈન લેન્થના બોલ પર રન જ નહોતા નિકળી શકતા.

આજેય અતૂટ છે આ રેકોર્ડ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 1964માં ભારત પ્રવાસે આવી હતી. આ દરમિયાન ચેન્નાઈમાં ટેસ્ટ રમાઈ હતી. મેચના ત્રીજા દિવસની રમત વખતે બાપૂએ કમાલની બોલિંગ કરી હતી. અંગ્રેજોને તેમની બોલિંગ સામે એક રન નિકાળવો પરસેવો વહાવી દેતો હતો. નાડકર્ણીએ એક બાદ એક સળંગ મેડન ઓવર કરવાનો સિલસિલો શરુ કર્યો. બાપૂએ સળંગ 21 ઓવરમાં એક પણ રન અંગ્રેજ બેટ્સમેનોને લેવા દીધો નહીં. આટલુ જ નહીં તેઓએ કુલ 32 ઓવર ઈનીંગમાં કરી હતી, જેમાંથી મેડન ઓવર 27 હતી. જ્યારે બાકીની 5 ઓવરમાં માત્ર એક એક જ રન ગુમાવ્યો હતો. એટલે કે 5 જ રન ઈનીંગમાં તેમની બોલિંગમાં તેઓએ ગૂમાવ્યા હતા.

વિચારો કેવી ખતરનાક બોલિંગ હશે, તેમની સ્પિન બોલિંગ પર કેટલો ભય અંગ્રેજોમાં હશે. મેડન ઓવર સળંગ કરવાનો તેમનો આ કમાલ રેકોર્ડ નોંધાઈ ગયો. એવો રેકોર્ડ કે જેને 59 વર્ષથી કોઈ તોડી શક્યુ નથી. હજુય નજીકના ભવિષ્યમાં કોઈ તેને તોડી શકે એમ લાગી રહ્યુ નથી.

કરિયરમાં તેઓ કરકસર ભર્યા રહ્યા

નાશીકમાં જન્મેલા નાડકર્ણીની આખી કારકિર્દીમાં ખૂબ જ ઈકોનોમી વાળી બોલિંગ રહી હતી. તેમણે 41 ટેસ્ટ મેચોની કુલ 65 ઈનિંગ્સમાં 9165 બોલ ફેંક્યા, જેમાં તેમનો ઈકોનોમી રેટ 1.67 હતો. તેમણે 88 વિકેટ લીધી હતી. જ્યારે એકંદરે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં, નાડકર્ણીએ 38913 બોલ ફેંક્યા, જેમાં તેની ઇકોનોમી માત્ર 1.64 હતી.