ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Cricket Team) એશિયા કપ-2022માં તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું અને તેની બીજી મેચમાં મલેશિયાની ટીમને હરાવી હતી અને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ સોમવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે 30 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં મલેશિયાની ટીમે બે વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા હતા અને ત્યારે જ વરસાદ પડયો હતો, જેના પછી મેચ રમાઈ શકી નહોતી. મેચ ફરી શરૂ ન થતાં અમ્પાયરોએ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કર્યો હતો અને ભારતની જીત થઇ હતી.
આ પહેલા ભારતે પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે, આ મેચ ભારતના ખેલાડીઓ માટે ઘણી સારી રહી હતી. ટીમના ટોપ-3 ખેલાડીઓએ આ મેચમાં જોરદાર સ્કોર કર્યો હતો અને ટીમને સારા સ્કોર તરફ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ T20 માં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવર રમવી જરૂરી છે. ભારતે પાંચ ઓવર ઉપર વધુ બે બોલ ફેંક્યા હતા, પછી મેચમાં વરસાદનો વિઘ્ન નડયો હતો, જો પાંચ ઓવર ન થઈ શકી હોત અને વરસાદના કારણે મેચ રમાઈ ન શકી હોત તો આ મેચ રદ કરવાનો નિયમ હતો.
આ મેચમાં સ્મૃતિ મંધાનાને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને શાબહિનેની મેઘનાએ શેફાલી વર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને શાનદાર બેટિંગ કરી હતી. મેઘનાએ અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. આ મેચમાં શફાલી વર્માએ સારી બેટીંગ કરી હતી. સતત નિષ્ફળ રહેલી શફાલીએ 46 રનની ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ બંને સિવાય રિચા ઘોષે પણ પોતાની આગવી શૈલી બતાવી હતી. તેણે 19 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા.
Second consecutive victory for #TeamIndia in the #AsiaCup2022 as they beat Malaysia by 30 runs (DLS) 👏👏
S. Meghana bags the Player of the Match award for her terrific 6️⃣9️⃣-run knock. #INDvMAL
Scorecard 👉 https://t.co/P8ZyYS5nHl pic.twitter.com/WaV3IIgf14
— BCCI Women (@BCCIWomen) October 3, 2022
ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતે બેટિંગ ન કરી અને અન્ય ખેલાડીઓને તક આપી હતી. કિરણ નવગિરે ચોથા ક્રમ પર બેટિંગ કરવા આવી હતી પરંતુ તે ખાતું ખોલાવી શકી નહોતી. રાધા યાદવે ચાર બોલમાં આઠ રન બનાવ્યા હતા. દયાલન હેમલતા ચાર બોલમાં 10 રન બનાવીને અણનમ રહી હતી. પોતાની ઇનિંગ્સમાં આ ખેલાડીએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.
182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલ પર દીપ્તિ શર્માએ કેપ્ટન વિનફિલ્ડ ડુરાસિંગમને ખાતું ખોલાવ્યા વગર જ આઉટ કરી દીધી હતી. વાન જુલિયાને રાજેશ્વરી ગાયકવાડે એક રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી હતી. માસ એલિસાએ 14 અને એલ્સા હન્ટરે માત્ર એક જ રન બનાવ્યા હતા જ્યારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ મેચ ફરીથી યોજાઈ શકી ન હતી.