એશિયા કપ 2023ની (Asia Cup 2023 Final) ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફાઇનલ મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયામાં વોશિન્ગટન સુંદરની (Washington Sundar) એન્ટ્રી થઇ છે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ઓલરાઉન્ડર વોશિન્ગટન સુંદર ટીમ સાથે જોડાવા માટે કોલંબો રવાના થઇ ગયો છે.
સુંદરનો અક્ષર પટેલના સ્થાન પર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થયો છે. ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શ્રીલંકા સામે ફાઇનલ મેચ રમવાની છે. અક્ષર પટેલે શુક્રવારે બાંગ્લાદેશ સામે મેચ રમી હતી અને તેણે બીજી ઇનિંગમાં બેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ પણ અંતમાં ટીમની હાર થઇ હતી.
સુંદર હાલમાં ભારતીય ટીમ સાથે આયરલેન્ડના પ્રવાસ પર જોડાયો હતો અને ત્રણ મેચની ટી20 શ્રેણીમાં બે મેચ રમ્યો હતો. તે બંને મેચમાં એક પણ વિકેટ લેવામાં અસફળ રહ્યો હતો. સુંદર આઇપીએલ-2023 માં ઇજાગ્રસ્ત થયો હતો અને તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો.
India and Sri Lanka to contest in Asia Cup Final for the 8th Time on Sunday, 17th September. India leads the Asia Cup finals head-to-head against Sri Lanka.#AsiaCup #AsiaCup2023 #Cricket #INDvsSL #SLvsIND #TeamIndia #IndianCricketTeam #Colombo #IndiavsSriLanka #SriLankavsIndia… pic.twitter.com/JTYp3Mcg35
— Tv9 Gujarati (@tv9gujarati) September 16, 2023
અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની મેચમાં નિગલ ઇજા થઇ હતી. આ ઇજા કેટલી ગંભીર છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ તેના ફાઇનલમાં ભાગ લેવા અંગે શંકા છે અને તેથી સુંદરનો બેકઅપ બોલર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સુંદર એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલી ટીમ ઇન્ડિયામાં સામેલ છે અને આ સમયે તે બેંગલુરૂમાં હતો. બાંગ્લાદેશ સામે અક્ષર પટેલે 34 બોલમાં 42 રન બનાવ્યા હત જેમાં ત્રણ ફોર અને બે સિક્સ સામેલ હતા. તેણે 9 ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે 47 રન આપી એક વિકેટ લીધી હતી. તેને બે વખત બોલ પણ વાગ્યો હતો. અક્ષર પટેલ જ્યારે બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેને શ્રીલંકાના ફિલ્ડરનો થ્રો કરેલો બોલ વાગ્યો હતો. તે બાદ ફિઝીયોએ મેદાન પર આવી તેના હાથ પર સ્પ્રે છાંટ્યો હતો.
હવે જોવાનું રહ્યું છે કે સુંદરને ફાઇનલ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવે છે કે નહીં. તે એક સારો ઓફ સ્પિનર છે અને બેટીંગ પણ શાનદાર કરે છે. શ્રીલંકા પાસે લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે અને તેમના માટે ભારતીય ટીમ પાસે કોઇ ઓફ સ્પિનર બોલર નથી. આવામાં સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પણ આ સ્થિતિ ત્યારે જ શક્ય છે જ્યારે ફાઇનલમાં ભારત મેદાન પર ટીમમાં ત્રણ સ્પિનર સાથે રમવા આવે. જો ભારત ફાઇનલમાં ત્રણ ફાસ્ટ બોલર સાથે રમે છે તો સુંદરને ટીમની બહાર જ રહેવું પડશે.