એશિયા કપની શરુઆત પાકિસ્તાનની ધરતી પરથી થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુલાતાનમાં રમાઈ રહી છે. યજમાન પાકિસ્તાન પ્રથમ મેચમાં રમતા નેપાળ સામે હાંફતા હાંફતા સ્કોર નોંધાવ્યો છે. પ્રથમ મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ પસંદી કરી હતી. પાકિસ્તાનની ટીમની શરુઆત નેપાળ સામે ખરાબ રહી હતી. 6 વિકેટ ગુમાવીને પાકિસ્તાને 50 ઓવરમાં 342 રન નોંધાવ્યા હતા.
જોકે બાદમાં બાજી ખુદ કેપ્ટને સંભાળતા સ્કોર બોર્ડ 300ને પાર પાકિસ્તાનને નસીબ થયુ હતુ. શરુઆતમાં બંને ઓપનર એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી દેતા જ ઘર આંગણે જ ટૂર્નામેન્ટની શરુઆતે મુશ્કેલીનો સામનો પાકિસ્તાને કર્યો હતો.માત્ર 25 રનમાં જ નેપાળ જેવી નબળી ટીમ સામે બંને ઓપનર ગુમાવીને 100 રનનો સ્કોર સુધી પહોંચવા માટે 22 ઓવરની રાહ જોવી પડી હતી. બાબર આઝમ અને ઈફ્તીખાર અહેમદે સદી નોંધાવતા ટીમનો સ્કોર 342 શક્ય બન્યો હતો.
જોકે શરુઆત ખૂબ જ ધીમી રહી હતી. શરુઆતમાં જ નેપાળના બોલર કરણ અને સોમપાલે ચૂસ્ત બોલિંગની શરુઆત કરતા ઘર આંગણે જ પાકિસ્તાનની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. શરુઆતમાં જ ઈનીંગની ત્રીજી ઓવરમાં સોમપાલ કામીએ મેડન ઓવર કરીને ફખર ઝમાનને પરેશાન કરી દીધો હતો. જોકે બાદમાં કામીએ રન ગૂમાવ્યા હતા. ઓપનર ફખર ઝમાન માત્ર 14 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેમે 20 બોલનો સામનો કર્યો હતો. જ્યારે ઈમામ ઉલ હક માત્ર 5 રન 14 બોલનો સામનો કરીને નોંધાવી પરત ફર્યો હતો.
બાબર આઝમે બાદમાં મોરચો સંભાળતા મોહમ્મદ રિઝવાન સાથે મળીને ભાગીદારી નોંધાવતા સ્કોર 111 સુધી પહોંચાડ્યો હતો. જોકે રિઝવાન 44 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 50 બોલનો સામનો કર્યો હતો. આગા સલમાન પણ 5 રન નોંધાવીને વિકેટ ગુમાવી દેકા 27.5 ઓવરમાં માત્ર 124 રન 4 વિકેટે નોંધાયા હતા.
બીજી તરફ બાબર આઝમે મુશ્કેલ સમયમાં પોતાના ખભે જવાબદારી સંભાળતા સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બાબર આઝમે ટીમનો સ્કોર 38મી ઓવરમાં 200ને પાર કરાવ્યો હતો.આગળની 9 ઓવરમાં તોફાની બેટિંગ કરતા સ્કોર બોર્ડ 300એ પહોંચ્યો હતુ. બાબરને ઈફ્તીકાર અહેમદે સાથ પુરાવતા બંનેએ પાકિસ્તાનની મુશ્કેલ રમતને અંતિમ 10 ઓવરમાં બદલી દીધી હતી.
ઈફ્તીખાર અહેમદે 71 બોલનો સામનો કરીને 109 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બાબર આઝમે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ અંતિમ 10 ઓવરમાં તોફાની બેટિંગ કરી હતી. બાબર કેચ આઉટ થઈને પરત ફર્યો હતો. જ્યારે શાદાબ ખાન 4 રન નોંધાવીને બોલ્ડ થયો હતો.
Published On - 6:49 pm, Wed, 30 August 23