
એશિયા કપ (Asia cup 2022) માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે. તમામ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટનું વેચાણ પણ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. એક મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ની આ મેચની ટિકિટ માત્ર ત્રણ કલાકમાં જ વેચાઈ ગઈ હતી, પરંતુ કેટલાક લોકો આ મેચની ટિકિટો ફરીથી વેચતા જોવા મળ્યા હતા.
જ્યારે વેબસાઈટ Dubizzle પર જોવામાં આવે છે, ત્યારે ‘હોસ્પિટલાઈઝ લોન્જ એક્સપીયરન્સ’ માટેની ટિકિટોની કિંમત Dh 5,500 હોવાનું કહેવાય છે જ્યારે તેની મૂળ કિંમત Dh 2,500 છે. જો કે સામાન્ય પ્રવેશ ટિકિટની કિંમત Dh 250 છે, વેબસાઇટ તેની કિંમત Dh 700 જણાવી રહી છે.
એશિયા કપ ટિકિટિંગ પાર્ટનર પ્લેટિનિયમે કહ્યું છે કે જે ટિકિટ ફરીથી વેચાઈ છે તે આપોઆપ રદ થઈ જશે. આ પ્લેટફોર્મે તેની વેબસાઈટ પર આ માહિતી આપી અને એ પણ કહ્યું કે ટિકિટનું ફરીથી વેચાણ કરવું ગેરકાયદેસર છે. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, “ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સેકન્ડરી ટિકિટ વેબસાઈટ પરથી પ્લેટિનિયમ ટિકિટ ન ખરીદે જે આ ટિકિટોનું રિસેલ કરી રહી છે કારણ કે આ ટિકિટો માન્ય નહીં હોય અથવા એન્ટ્રી કેન્સલ થઈ જાય તેવી શક્યતા છે.”
આ પ્લેટફોર્મે ઉલ્લેખ કર્યો છે કે મેચના દિવસે ટિકિટ બતાવતી વખતે ગ્રાહકોએ આઈડી પ્રૂફ પણ બતાવવા પડશે. યૂઝર્સે કહ્યું કે ટિકિટ બુક કરાવતી વખતે તેમણે પુરાવા સાથે તેમનું આખું નામ જણાવવાનું રહેશે. કંપનીએ કહ્યું, “જો કોઈ ગ્રાહક એક જ મેચ માટે એકથી વધુ ટિકિટ ખરીદે છે, તો તેણે એક જ સમયે એન્ટ્રી લેવી પડશે.”
સોમવારે, એક ગ્રાહકે પ્લેટિનિયમ લિસ્ટના ટ્વિટર પેજ પર ટ્વિટ કર્યું કે તેની પાસે ચાર ટિકિટ છે અને તે તેને મૂળ કિંમત કરતાં થોડી વધુ કિંમતે વેચવા માંગે છે. કંપનીએ તરત જ જવાબ આપ્યો અને લખ્યું, “ટિકિટ ફરીથી વેચવાની સખત મનાઈ છે.” સાથે જ લખ્યું છે કે પ્રવેશ સમયે આ ટિકિટો માન્ય રહેશે નહીં.
યુએઈમાં ચાહકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ખરીદવા માટે લગભગ ત્રણ કલાક રાહ જોઈ હતી, પરંતુ તેમની રાહ વ્યર્થ ગઈ હતી. આયોજકો થોડા દિવસોમાં ટિકિટની નવી બેચ બહાર પાડશે. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એશિયા કપ અથવા આઈસીસીની ટુર્નામેન્ટમાં જ સામસામે હોય છે અને તેથી આ મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.