Asia Cup 2022માં ધમાલ મચાવશે કોહલી? કેપ્ટન રોહિતે વિરાટના ફોર્મ વિશે આપ્યું મોટું અપડેટ

એશિયા કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી શરૂ કરશે. મેચ પહેલા ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી સારી લયમાં જોવા મળ્યો હતો.

Asia Cup 2022માં ધમાલ મચાવશે કોહલી? કેપ્ટન રોહિતે વિરાટના ફોર્મ વિશે આપ્યું મોટું અપડેટ
VIRAT KOHLI
| Edited By: | Updated on: Aug 27, 2022 | 8:00 PM

યુએઈમાં રમાઈ રહેલો એશિયા કપ 2022 પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી ટીકાનો શિકાર બની રહેલા કોહલી પાસેથી ફેન્સ એક મોટી ઈનિંગની આશા રાખી રહ્યા છે. તે ઈચ્છે છે કે કિંગ કોહલી તેના રંગમાં દેખાય. કોહલી પોતે પણ વાપસી કરવા ઉત્સુક હશે. એશિયા કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે. આ શાનદાર મેચ પહેલા કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) કોહલીના ફોર્મને લઈને મોટું અપડેટ આપ્યું હતું.

રોહિતે કોહલીને લઈને આપ્યું મોટું અપડેટ

એશિયા કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી શરૂ કરશે. મેચ પહેલા ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી સારી લયમાં જોવા મળ્યો હતો. રોહિતે રવિવારે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલી વિશે અપડેટ આપ્યું હતું. તેને કહ્યું કે બ્રેક બાદ કોહલી એકદમ ફ્રેશ દેખાય રહ્યો છે. પત્રકારોના સવાલના જવાબમાં તેને કહ્યું, ‘મેં કોહલીને બેટિંગ કરતા જોયો અને તે સારી લયમાં દેખાઈ રહ્યો હતો. તેને જોઈને મને આનંદ થયો. તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. એવું લાગે છે કે તે વધુ વિચારતો નથી. તે જેવો હતો તેવો જ જોવા મળે છે.

કોહલીનો વીડિયો થયો વાયરલ

છેલ્લા ત્રણ દિવસથી વિરાટ કોહલી નેટમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને નેટ સેશનમાં યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની સાથે ટીમના અનુભવી સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનના બોલનો સામનો કર્યો. કોહલી સ્પિનરોના બોલ પર સ્ટેપ્સનો ઉપયોગ કરીને મોટા મોટા શોટ રમતા જોવા મળ્યો હતો, જ્યારે તેને અર્શદીપના બોલ પર પોતાનો ક્લાસ બતાવ્યો હતો.

સૌરવ ગાંગુલી પણ કોહલીના વાપસીની જોઈ રહ્યો છે રાહ

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ વિરાટ કોહલીના ફોર્મમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. તેને કહ્યું, મને વિશ્વાસ છે કે જેમ આપણે બધા તેની સદીની રાહ જોઈ રહ્યા છીએ, તે પણ તેના માટે એટલી જ મહેનત કરી રહ્યો છે. ટી 20 ફોર્મેટમાં બેટ્સમેન પાસે સમય ઓછો હોય છે, તેથી સદી ફટકારવાની શક્યતા ઓછી થઈ જાય છે, પરંતુ આશા છે કે કોહલી માટે આ એક સારી ટૂર્નામેન્ટ સાબિત થશે.