Ashes 2023 : બેન સ્ટોક્સની લડાયક ઇનિંગ જોઈ વિરાટ કોહલીએ કેમ કહ્યું- હું મજાક નથી કરતો, જાણો કારણ

બેન સ્ટોક્સે લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે 155 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને ઇંગ્લેન્ડને જીતની નજીક પહોંચાડ્યું, પરંતુ તે આ વખતે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. છતાં વિરાટ કોહલીએ બેન સ્ટોક્સના 155 રનને શાનદાર ઇનિંગ્સ ગણાવી હતી.

Ashes 2023 : બેન સ્ટોક્સની લડાયક ઇનિંગ જોઈ વિરાટ કોહલીએ કેમ કહ્યું-  હું મજાક નથી કરતો, જાણો કારણ
Virat Kohli on Ben Stokes
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:11 PM

એશિઝ ટેસ્ટમાં ફરી એકવાર બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત સદી ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી, પરંતુ હેડિંગ્લેથી વિપરીત આ વખતે ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો. બેન સ્ટોક્સ ટીમને જીત અપાવી શક્યો ન હતો પરંતુ તેણે ફરી બધાના દિલ જીતી લીધા હતા. વિરાટ કોહલી પણ બેન સ્ટોક્સના વખાણ કરતા પોતાને રોકી શક્યો નહીં.

હાર છતાં બેન સ્ટોક્સની ભારે પ્રશંસા થઈ

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના અંતિમ દિવસે બેન સ્ટોક્સે 155 રનની શાનદાર ઇનિંગ રમીને 371 રનના લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લેન્ડને જીતની આશા જગાવી હતી. પરંતુ આ વખતે સ્ટોક્સ ટીમને જીત અપાવી શક્યો નહીં. લોર્ડસ ટેસ્ટમાં હાર છતાં ફેન્સ અને દિગ્ગજ ક્રિકેટરો ઇંગ્લેન્ડના કેપ્ટન અને આ શાનદાર ઓલરાઉન્ડરની પ્રશંસા કરવાથી રોકી શક્યા નહીં.

કોહલીએ એક વર્ષ જૂની વાતનું પુનરાવર્તન કર્યું

લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાર બાદ પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક ટ્વિટ કરીને સ્ટોક્સના વખાણ કર્યા હતા. પોતાના જૂના નિવેદનને યાદ કરતા કોહલીએ કહ્યું કે જ્યારે તેણે સ્ટોક્સને સૌથી પ્રતિસ્પર્ધી વ્યક્તિ કહ્યો ત્યારે તેણે મજાકમાં આ વાત નથી કહી. કોહલીએ સ્ટોક્સની આ ઈનિંગને હાઈ ક્લાસ ઈનિંગ્સ ગણાવી પરંતુ સાથે જ સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયા આ સમયે ખૂબ જ મજબૂત છે અને તેમને હરાવવું આસાન નથી.

સ્ટોક્સની નિવૃત્તિ પર કરી હતી ટિપ્પણી

કોહલીએ ગયા વર્ષે સ્ટોક્સ વિશે આ વાત કહી હતી, જ્યારે તેણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સની જાહેરાત બાદ કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી જેમાં તેણે સ્ટોક્સને સૌથી પ્રતિસ્પર્ધી ખેલાડી ગણાવ્યો.

આ પણ વાંચોઃ Ashes 2023 : લોર્ડ્સ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની યાદગાર જીત, બેન સ્ટોક્સની સદી એળે ગઈ

ચાર વર્ષમાં 4 યાદગાર ઇનિંગ્સ

સ્ટોક્સની સમગ્ર કારકિર્દી અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષની કેટલીક યાદગાર ઇનિંગ્સને જોતા કોહલીના આ દાવાને નકારી કાઢવો મુશ્કેલ છે. છેલ્લા ચાર વર્ષમાં બેન સ્ટોક્સે પોતાની જાતને એક એવા ખેલાડી તરીકે સ્થાપિત કરી છે જે યાદગાર ઇનિંગ્સ રમી ગમે ત્યારે મેચને પલટાવી શકે છે. વર્ષ 2019માં લોર્ડ્સમાં વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી ઇનિંગ્સ, ત્યારબાદ હેડિંગલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મેચ-વિનિંગ સદી અને 2022માં મેલબોર્નમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અડધી સદીએ ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:56 pm, Sun, 2 July 23