
ગુજરાતમાં દેશ વિદેશના અનેક ખેલાડીઓ સુરતમાં ધામા લગાવી ચૂક્યા છે. અહીં સુરતમાં લીજેન્ડ લીગ ક્રિકેટની પ્રથમ ક્વોલિફાયર મેચ સમાપ્ત થઈ ચુકી છે. જ્યારે એલીમીનેટર મેચ ઈન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બુધવારે રમાઈ છે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ ગુરુવારે રમાનારી છે. આ દરમિયાન વિદેશી ખેલાડીઓ સુરતની મોજ માણવાનુ ચુકી રહ્યા નથી.
અફઘાનીસ્તાનનો ક્રિકેટર અસગર પણ આવી રીતે સુરતના લોચાની મોજ માણતા નજર આવ્યો છે. તે સ્થાનીક ગુજરાતી સ્ટાર ખેલાડીઓ સાથે મળીને લોચાની મોજ માણી હતી. આ દરમિયાન તેને લોચાનો સ્વાદ જબરદસ્ત પસંદ આવ્યો હતો.
અફઘાનીસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી અસગર અફઘાન હાલમાં સુરતમાં છે. તેની ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ક્વોલીફાયર મેચમાં 8 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 23 રન ફટકાર્યા હતા. તોફાની રમત દર્શાવનાર અસગર સુરતમાં લોચાનો સ્વાદ માણતો નજર આવ્યો છે.
આઈપીએલના ક્રિકેટર યોગેશ નાગર, મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડી પવન શુયાલ, દિલ્હી ટીમના યોગેશ નાયર અને ગુજરાતી ખેલાડી વિપુલ નારીગરાએ સાથે મળીને સુરતી લોચાનો સ્વાદ માણ્યો હતો. લોચાને ખાતા જ અસગર બોલી ઉઠ્યો હતો કે, બસ વાહ, શાનદાર સ્વાદિષ્ટ. અસગરે કહ્યુ હતુ કે, સુરતથી વિદાય લેતા પહેલા ફરીથી લોચાની મોજ જરુર માણવી પડશે. આમ અસગરને લોચાનો સ્વાદ જબરદસ્ત ગમ્યો હોવાનું બતાવ્યુ હતુ.
અફઘાનિસ્તાની ટીમ વતીથી અસગર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 વનડે ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 2424 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 12 અડધી સદી અને એક સદી પણ નોંધાવી છે. 75 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી 1382 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 4 અડધી સદી નોંધાવી છે. જ્યારે 6 ટેસ્ટ મેચમાં 440 રન 1 સદી અને 3 અડધી સદીની મદદ વડે નોંધાવ્યા હતા.
ટેસ્ટમાં 11, વનડેમાં 65 અને ટી20માં 69 છગ્ગા તેણે ફટકાર્યા છે. આ સિક્સર બાજ અફઘાન ક્રિકેટર અન્ય ટી20 મેચમાં 157 છગ્ગા 114 ઈનીંગમાં નોંધાવી ચૂક્યો છે. સુરતમાં પણ તે 8 બોલની નાનકડી અણનમ ઈનીંગમાં પણ 2 શાનદાર છગ્ગા ફટકારવાનુ ચૂક્યો નહોતો.
Published On - 8:15 pm, Wed, 6 December 23