ભારતીય ક્રિકેટ બોર્ડ 27મી મેના દિવસે એક ખાસ મિટિંગ કરવા જઈ રહ્યું છે. BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અંગે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
આ સ્પેશિયલ બેઠકમાં સ્ટેટ ટીમોમાં ફિઝિયો તથા કોચની વરણી અંગે ચોક્કસ નિર્દેશ તથા જાતીય સતામણી સામે આકરી રણનિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે હમણા સુધી વન-ડે વર્લ્ડ કપના શેડયૂલની જાહેરાત થઈ નથી. આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સિવાય વિમેન્સ પ્રીમિયર લીગ ટી-20 માટે એક વિશેષ સમિતિની રચના પણ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.
IPL 2023 ના પ્લેઓફ અને ફાઈનલ મેચના સમગ્ર શેડ્યૂલ અને સ્થળની વિગતો જાહેર કરી હતી. પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે, 2023ના વચ્ચે ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ 23 અને 24 મેના રોજ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનુક્રમે 26 અને 28 મેના રોજ ક્વોલિફાયર 2 અને IPL 2023ની ફાઈનલનું આયોજન કરશે.
132,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બીજીવાર IPL ફાઈનલનું આયોજન થશે. 2022ની સીઝનમાં આજ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે 2022માં ફાઈનલ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર 2ની મેચ રમાઈ હતી.
બીજી બાજુ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 2019 પછી પ્રથમ વખત IPL પ્લેઓફ રમતનું આયોજન કરવામાં આવશે. ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફની પાંચ મેચોની રમાઈ છે. જેમાં 2011 અને 2012ની સિઝનની બે ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે .