
ઉંમર માત્ર એક આંકડો છે, આ વાતને આઇલ ઓફ મેન (Isle of Man) ની 51 વર્ષીય ઓફ સ્પિનર જોઆન હિક્સે (Joanne Hicks) સાચી સાબિત કરી બતાવી છે. રોમાનિયાના મોઆરા વ્લાસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં હિક્સે ગ્રીસની મહિલા ટીમ સામે 5 વિકેટ ઝડપી હતી. 51 વર્ષ અને 173 દિવસની ઉંમરે આ અદ્ભુત સિદ્ધિ મેળવીને જોઆન હિક્સ ઇન્ટરનેશનલ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં 50 વર્ષની વય વટાવ્યા પછી ફાઇવ-વિકેટ હોલ (ઇનિંગ્સમાં 5 વિકેટ) ઝડપનારા વિશ્વના સૌથી પ્રથમ ક્રિકેટર બન્યા છે.
જમણેરી ઓફ સ્પિનર જોઆન હિક્સે મેચમાં ઘાતક બોલિંગ કરીને ગ્રીસના બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખ્યું હતું. હિક્સે પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 10 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેમના T20 ઇન્ટરનેશનલ કરિયરનો આ ત્રીજો ફાઇવ-વિકેટ હોલ હતો. તેમની સ્પિન જાળ સામે ગ્રીસની સમગ્ર ટીમ 15 ઓવરમાં માત્ર 52 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ આઇલ ઓફ મેને માત્ર 1 વિકેટ ગુમાવીને પાવરપ્લેની અંદર જ આ લક્ષ્યાંક હાંસલ કરી 9 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી.
જોઆન હિક્સે આ ઐતિહાસિક સ્પેલ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે 5 વિકેટ લેવાનો 96 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પિનર બર્ટ આયર્નમોન્ગર (Bert Ironmonger) ના નામે હતો, જેમણે 1932 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં 49 વર્ષ અને 314 દિવસની ઉંમરે 5 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, હિક્સે 47 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં તેઓ 3 વખત 5 વિકેટ લેવાની અનોખી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
જોઆન હિક્સે આઇલ ઓફ મેનની ટીમ માટે અત્યાર સુધીમાં 29 T20 મેચો રમી છે, જેમાં તેમણે 36 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે તેમનો ઇકોનોમી રેટ માત્ર 4.12 નો રહ્યો છે. તેમણે 3 વખત 5 વિકેટ ઉપરાંત 1 વખત ઇનિંગ્સમાં 4 વિકેટ પણ ઝડપી છે. જોઆન હિક્સ એવા ગણ્યાગાંઠ્યા બોલરોની યાદીમાં પણ સામેલ છે, જેમણે સતત 2 T20I મેચોમાં 4 કે તેથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હોય.