
આવેશ ખાન ને પણ સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા તેને નેટ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવતો હતો. આવેશ ખાને ઘરેલુ ક્રિકેટમાં લગાતાર શાનદાર પ્રદર્શન કરીને આઇપીએલ માં સ્થાન જમાવ્યુ હતુ. આઇપીએલ સ્થગીત થવા અગાઉ તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાન પર હતો. તેણે દિલ્હી કેપિટલ્સ વતી રમતા આઠ મેચમાં 14 વિકેટ ઝડપી હતી. ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ થી રમતા તેણે 25 પ્રથમ શ્રેણી મેચમાં 100 વિકેટ પોતાના નામે કરી હતી.

ગુજરાત માટે રમતા અર્જન નગવાસવાલાનુ નામ જોઇને જરુર આશ્વર્ય થયુ છે. કારણ કે તેનુ નામ જાહેર થવા અગાઉ તેના નામ થી ખૂબ ઓછા લોકો પરિચીત છે. તે લેફ્ટહેન્ડ ઝડપી બોલર છે. તેણે વર્ષ 2018માં રણજી ટ્રોફીમાં ગુજરાત વતી ડેબ્યુ કર્યુ હતુ. તેણે મુંબઇ સામે ની મેચમાં પાંચ વિકેટ ઝડપીને ચર્ચામાં છવાયો હતો. અત્યાર સુધીમાં તેણે પ્રથમ કક્ષાની 16 મેચમાં 62 વિકેટ ઝડપી છે.