
સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે અને એવામાં કેન્યા પણ પોતાના દેશમાં T20 લીગનું આયોજન કરવા તૈયાર છે. જ્યારથી IPLની પહેલી સીઝન ભારતમાં 2008માં રમાઈ હતી, ત્યારથી બીજા ઘણા દેશોમાં T20 લીગ શરૂ થઈ ગઈ છે. જોવા જઈએ તો, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને વેસ્ટ ઈન્ડિઝની કેરેબિયન પ્રીમિયર લીગ પર પણ ક્રિકેટના ચાહકો તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે. જો કે, આ બધી લીગ બાદ હવે કેન્યા પણ મેદાનમાં આવ્યું છે અને પહેલીવાર T20 લીગનું આયોજન કરવા જઈ રહ્યું છે.
કેન્યાની વાત કરીએ તો, આ ટીમ 2003માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચવામાં તો સફળ રહી પરંતુ તે પછી ટીમનું ક્રિકેટ લેવલ સતત નીચે આવતું ગયું. હવે ક્રિકેટમાં લેવલ નીચું જતાં કેન્યા દેશમાં ક્રિકેટની લોકપ્રિયતા પણ ઘટી ગઈ. કેન્યા છેલ્લે 2011માં ICC ટુર્નામેન્ટ એટેલે કે ODI વર્લ્ડ કપ રમ્યું હતું. ત્યારબાદ કેન્યાની ટીમ એકપણ ICC ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શકી નથી. આ જ કારણ છે કે, કેન્યાએ હવે પોતાના દેશમાં ક્રિકેટને ફરીથી લોકપ્રિય બનાવવા માટે T20 લીગ શરૂ કરવા માટેનું એક મોટું પગલું લીધું છે.
Cricket Kenya’s Board of Directors has formalized a landmark partnership with AOS Sport Tournaments,Dubai/India,through the signing of a contractual agreement that will give rise to the ‘Cricket Kenya T20’ (CKT20) League,poised to catapult Kenyan cricket to unprecedented heights pic.twitter.com/moJuOKmnlc
— Cricket Kenya (@CricketKenya) April 29, 2025
કેન્યાની આ T20 લીગ ફ્રેન્ચાઇઝ આધારિત રહેશે અને તેનું નામ CKT20 (ક્રિકેટ કેન્યા T20) રાખવામાં આવ્યું છે. આ લીગ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રમાશે. જણાવી દઈએ કે, આ લીગ 25 દિવસ સુધી ચાલશે અને લીગમાં કુલ 6 ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. આ ઉપરાંત, ટીમમાં ઓછામાં ઓછા પાંચ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ક્રિકેટ કેન્યા અને દુબઈ/ભારત સ્થિત કંપની AOS સ્પોર્ટ વચ્ચે લીગનું આયોજન કરવા માટે કરાર થયો છે. કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટર કેનેડી ઓબુયાએ કહ્યું કે, આ એક મોટું આયોજન હશે, જે રોમાંચથી ભરપૂર રહેશે. આ લીગથી કેન્યામાં ક્રિકેટને એક નવી દિશા મળશે. કેન્યાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, લીગમાં રહેલી 6 ટીમો પ્લેઈંગ ઈલેવનની અંદર ફક્ત ચાર વિદેશી ખેલાડી જ રમાડી શકશે. આ સિવાય બાકીના બધા ખેલાડીઓ સ્થાનિક રહેશે.