બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં દેશના ખેલાડીઓએ તેમનું શાનદાર પ્રદર્શન કરતા દેશને 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ અપાવ્યા હતા. દેશની લગભગ 2 ટકા વસ્તી ધરાવતા હરિયાણાએ આ રમતોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ વખતે ભારતીય ટીમમાં સૌથી વધુ 43 ખેલાડીઓ હરિયાણાના છે. જેમાંથી 17 ખેલાડીઓ એ મેડલ જીતીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરવા બદલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં અમિત પંઘાલ અને નીતુ ઘંઘાસે બોક્સિંગ માં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે સાક્ષી મલિક, બજરંગ પુનિયા, દીપક પુનિયા, રવિ કુમાર દહિયા, વિનેશ ફોગાટ અને નવીન કુમારે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. સુધીરે પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેળવ્યો છે. અંશુ મલિકે કુસ્તી માં સિલ્વર, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, દીપક નેહરા અને મોહિત ગ્રેવાલે રેસલિંગમાં બ્રોન્ઝ જીત્યો છે. બોક્સિંગમાં સાગર અહલાવતે સિલ્વર જ્યારે જસ્મીન લેમ્બોરિયાએ બ્રોન્ઝ જીત્યો હતો. સંદીપ કુમારે એથ્લેટિક્સ માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા હોકી ટીમમાં પણ હરિયાણાની ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. બ્રોન્ઝ મેડલ જીતનારી 18 સભ્યોની મહિલા હોકી ટીમમાં 8 મહિલાઓ હરિયાણાની છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ માં હરિયાણાના મજબૂત ખેલાડીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હરિયાણાના કુસ્તીબાજોમો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે. હરિયાણા સરકારની રમત નીતિનું જ પરિણામ છે કે ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા. તેણે કહ્યું કે ભારતીય ટીમ માં સામેલ હરિયાણાના ખેલાડીઓએ ન માત્ર પોતાને સાબિત કર્યું છે પરંતુ મેડલ ટેલીને આગળ વધારવા માટે પણ કામ કર્યું છે. તમામ ખેલાડીઓને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ તમામ ખેલાડીઓએ તેમની મહેનતના આધારે દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં મેડલ વિજેતાઓને ગોલ્ડ મેડલ માટે રૂ. 1.5 કરોડ, સિલ્વર મેડલ માટે રૂ. 75 લાખ અને બ્રોન્ઝ મેડલ માટે રૂ. 50 લાખ આપશે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓને સાડા સાત લાખ રૂપિયા મળશે.