
Oman : હોકી જગતથી ભારત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય મેન્સ જૂનિયર હોકી ટીમે એશિયા કપ 2023ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. એશિયા કપની શરુઆતથી જ શાનદાર પ્રદર્શનમાં રહેલી ભારતીય ટીમે આજે સેમિફાઈનલ મેચમાં કોરિયાને હરાવ્યું હતું. બીજી સેમિફાઈનલ મેચમાં જો મલેશિયા સામે પાકિસ્તાનની જીત થશે તો ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે થઈ શકે છે. કોરિયા સામે આજે ભારતીય ટીમે 9-1થી શાનદાર જીત મેળવી છે.
ઓમાનમાં ભારતીય ટીમની ટક્કર આજે કોરિયા સામે સેમિફાઈનલમાં થઈ હતી. આ પ્રથમ સેમિફાઈનલ મેચ 8 કલાકે શરુ થઈ હતી. ભારત-કોરિયા વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ હમણા સુધી 8 મેચ જીતી હતી અને કોરિયાની ટીમ 3 મેચ જીતી હતી. જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.
પૂલ Aમાં ભારતીય ટીમ 4 માંથી 3 મેચમાં જીતી હતી. જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતીય ટીમની જેમ 10 પોઈન્ટ સાથે હતી. પણ ગોલ ડિફરેન્સને કારણે પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું, જ્યારે ભારતીય ટીમ પહેલા નંબર પર રહ્યું હતું.
પૂલ Bમાં 4માંથી 4 મેચ જીતીને 12 પોઈન્ટ સામે મલેશિયાની ટીમ ટોપ પર રહી, જ્યારે કોરિયાની ટીમ 4માંથી 3 મેચમાં જીત અને 1 હાર સાથે બીજા ક્રમે રહી. આજે 31 મેના રોજ પહેલા ભારત અને કોરિયાની પ્રથમ સેમિફાઈનલ અને બીજી સેમિફાઈનલ મલેશિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત થઈ હતી.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 9:36 pm, Wed, 31 May 23