
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) રમવા માટે ટીમ ઇન્ડીયા હાલમાં સાઉથમ્પ્ટન પહોંચી ચુકી છે. જ્યાં ફાઇનલ મેચ રમ્યા બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચ રમશે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ હાલ ટીમ સાથે સાઉથમ્પ્ટનમાં છે. આ દરમ્યાન રવિન્દ્ર જાડેજાની દિકરી નિધ્યાનાનો ચોથો બર્થ ડે હતો. પુત્રીના જન્મ દિવસને લઇને રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ રિવાબા જાડેજા (Rivaba Jadeja) એ એક પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતુ.
બંનેએ આર્થિક નબળા પરિવારના પાંચ પરિવારોને મદદ કરી છે. જેને લઇને આ પરીવારોના બચત ખાતા ખોલી આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા એ પોસ્ટ ઓફિસમાં આ ખાતા ખોલી આપ્યા હતા. ત્યારબાદ તેઓએ તે બચત ખાતામાં 10-10 હજાર રુપિયા પણ જમા કરાવ્યા હતા. જે ખાતા આર્થિક નબળા પરિવારની પાંચ બાળકીઓને નામે ખોલ્યા હતા.
હાલમાં રિવાબા પણ રવિન્દ્ર જાડેજા સાથે ઇંગ્લેંડ છે. તેઓ વિડીયો કોન્ફરન્સ મારફતે બચત ખાતાના પાસબુક આપવા દરમ્યાન જોડાયા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નિએ 10 હજાર રુપિયા આર્થિક પછાત બાળકીઓને મદદ કરી છે. આ દિશામાં સમયે સમયે તેઓ કાર્ય કરતા રહેશે.
આ પહેલા રિવાબા એ જન્મ દિવસ પર પોતાની આંખોને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જાડેજા અને રિવા એ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં કર્યા હતા. જેમાં અનેક હસ્તિઓ સામેલ થઇ હતી. રિવાબાનો પરિવાર રાજકીય રીતે કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેમના પિતાનો કોંગ્રેસ સાથે સંબંધ રહ્યો છે. જોકે રિવા બા ખુદ 2019 માં ભાજપમાં સામેલ થયા હતા. જાડેજા અને રિવાબા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત કરી હતી. સાથે જ જાડેજાએ સોશિયલ મીડિયા પર પણ પીએમ મોદીનો સપોર્ટ કર્યો હતો.
રિવાબા એ રાજકોટ ની આત્મિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ દ્વારા મીકેનિકલ એન્જીન્યરીંગ કર્યુ હતુ. તેઓ જાડેજાના નાના બહેન નયનાબાના મિત્ર હતા. તેમના બહેન મારફતે જ રિવાબા સાથે મુલાકાત થઇ હતી. બાદમાં બંનેને એક બીજાને પસંદ કરતા તેઓ લગ્નના બંધને બંધાયા હતા. રિવા બા લગ્ન સમયે યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેઓ તે છોડીને જાડેજાની રેસ્ટોરન્ટ ‘જડ્ડૂસ ફુડ ફીલ્ડ’ ની દેખરેખ રાખી રહ્યા છે.
જાડેજા હાલમાં ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન ટીમ ઇન્ડીયા સાથે વ્યસ્ત રહેશે. તેનુ પ્રથમ લક્ષ્ય ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ હશે. તે વર્તમાન સમયમાં ટીમના મુખ્ય ઓલરાઉન્ડર બનીને ઉભર્યો છે. તેણે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 10 મેચ રમ્યો છે. આ દરમ્યાન 91 રનનો સર્વોચ્ચ સ્કોર સાથે 469 રન બનાવ્યા હતા. સાથે જ 28 વિકેટ ઝડપી છે. ઇંગ્લેંડની પિચો પર પાંચ ટેસ્ટ મેચમાં તેના નામે 15 વિકેટ અને 276 રન નોંધાયેલા છે.