
સવાલ એ થાય છે કે ગુજરાતમાં યુપીના CM શું કામ અને એમાંય પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગાંધીનગરથી જ્યારે લડી રહ્યાં છે ત્યારે તેમના જ સંસદીય વિસ્તારમાં બીજા કોઇ નેતા કરતા યોગીને જ કેમ જવાબદારી સોંપાઇ તે સવાલ જરુરથી પુછાઇ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યાનાથ લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં 50 જેટલી સભાઓ અને રેલીઓ કરવાના છે. જેની શરુઆત તેઓએ યુપીના સહારનપુરમાં શાકંભરી દેવીના મંદીરમાં પુજા અર્ચના કરીને કરીને કરશે. સહારનપુરમાં કુલ મતદારોના 42 ટકા મુસ્લિમ આબાદી છે સાથે અહી મુસ્લિમોની સંસ્થા દેવબંધનુ હેડક્વાર્ટર પણ છે એટલે કે ભાજપે યુપીના CMને માધ્યમ બનાવી ફરીથી હિન્દુકાર્ડ રમવાની શરુઆત કરી.
તેઓ દેશભરમા ચૂંટણી પ્રચાર કરશે અને હિન્દુત્વની લહેર જગાડવાનો પ્રયત્ન કરશે. જેથી દેશભરમાં હિન્દુવોટ બેંકને ભાજપ તરફ વાળી શકાય. તેઓ 26મી માર્ચેના રોજ ગાંધીનગર આવી રહ્યા છે અને આવીને તેઓ વિજય સંકલ્પ રેલીને સંબોધશે. CM યોગીના આગમનની તૈયારીઓ ભાજપે શરુ કરી દીધી છે.
ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે ભાજપ હવે આ સીટ ઉપર રેકોર્ડ બ્રેક માર્જીનથી જીતવાનો પ્રયત્ન કરશે. આ સીટ ઉપર પાટીદાર, ઓબીસી અને કેટલાંક વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે.
ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં ગાંધીનગર ઉત્તર અને કલોલમાં કોંગ્રેસના ધારાસભ્યો છે, જ્યારે સાંણદમાં કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ છે અને વેજલપુરમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સવિશેષ છે જેથી ભાજપ યોગીને ઉતારીને ગાંધીનગરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર સ્થાપિત કરવા માંગે છે. અમિત શાહના ગાંધીનગર આવવાથી તેમની પાટીદાર વિરોધી છબીને હિન્દુત્વના પાણીથી ધોઈ શકાય તેના પ્રયાસો શરુ કરી દેવાયા છે. યોગીની ગુજરાતમાં હાજરીથી પાર્ટી સીધો સંદેશ હિન્દુ મતદારોને આપવા માગે છે જેથી જાતિના વાડા તુટે અને હિન્દુ વર્સીસ મુસ્લિમની વિચારધારા જ રહે જેથી ભાજપને સીધો ફાયદો થઇ શકે.
યોગી આદિત્યનાથનો ગુજરાત સાથે જૂનો નાતો છે તેમના ગુરુ વિસનગરના હતા. જેથી ભુતકાળમા તેઓ અનેક વખત ગુજરાત આવ્યા છે. હવે CM બન્યા બાદ પણ તેઓ હાજરીઆપી ચૂક્યા છે અને ગુજરાતના વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પણ તેઓ પ્રચાર કરી ચૂક્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવા વિસ્તારોમાં હિન્દી ભાષી સમાજનો પણ દબદબો છે ભાજપ આના માધ્યમથી હિ્ન્દી ભાષી સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે તો યોગી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અને જુનાગઢના મેળામાં પણ મુખ્ય મહેમાન તરીકે પણ આગાઉ ગુજરાતમાં આવી ચૂક્યા છે.
યોગી આદિત્યનાથ ભલે કટ્ટર હિ્ન્દુત્વનો ચહેરો હોય પણ તેઓ 2017માં સૌરાષ્ટ્રના અનેક વિધાનસભા બેઠકો ઉપર પ્રચાર કરી ચુક્યા છે. છતાં તેમના કારણે હિન્દુત્વની લહેર જાગી હોય તેવુ કઇ બન્યું નથી. રાજકીય નિષ્ણાંતો માનીએ એક તરફ ભાજપ સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે બીજી તરફ યોગી જેવા કટ્ટર હિન્દુત્તવના ચહેરાને પ્રચાર કરાવીને હિન્દુવોટ બેંકને અંકે કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગે છે. શહેરોમાં તો જરુર તેઓ સફળ થઇ શકે છે પણ ગ્રામીણ વિસ્તારોમાં તેમને 2017માં સફળતા મળી ન હતી. આ વાત આંકડાઓ સાબિત કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે યોગી ગુજરાતમાં પોતાના પ્રવચનની શરુઆત કેવી રીતે કરે છે અને તે આ વખતે સફળ થશે કે નહીં?
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:11 pm, Sun, 24 March 19