આજે હાર્દિક પટેલ (Hardik patel) એ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન કરીશું.
હાર્દિકની આ ચીમકી બાદ Tv9ના એન્કર નરેન્દ્રસિંહ જાદવ દ્વારા તેનો ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યો હતો જેમાં હાર્દિક પટેલે સ્વીકાર્યું હતું કે તે કોંગ્રેસ (Congress) ના નેતા છે પણ સામાજિક નેતા (social leader) તરીકે આંદોલન કરવાનો છે. હાર્દિકના ઇન્ટર્વ્યૂના મુખ્ય અંશો અહીં રજુ કર્યા છે.
નરેન્દ્રસિંહઃ યુવાનો પરના કેટલા કેસ હજુ બાકી છે?
હાર્દિકઃ કુલ 6થી7 હજાર લોકો પર 600થી 700 FIR થઈ હતી, આનંદીબેને કહ્યું હતું કે અમે બધા કેસ પાછા ખેચી લેશું પણ બધા કેસ પાછા ખેચાયા નથી. ત્યાર બાદ રૂપાણી અને ભુપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પણ હજુ સુધી બધા કેસ પાછા ખેચાયા નથી.
નરેન્દ્રસિંહઃ અત્યારે જ કેમ આંદોલન કરવાનું સુજ્યું?
હાર્દિકઃ અમે બે વર્ષથી બોલીએ છીએ. મેં 15 દિવસના ઉપવાસ કર્યા છે. મને આશા હતી કે સમાજના આગેવાનો કોશિશ કરી રહ્યા છે, મને એમ હતું કે સરકાર કંઈક કરશે પણ નથી કર્યું તેથી બોલું છું.
નરેન્દ્રસિંહઃ ફરીથી આંદોલન કરવા જઈ રહ્યા છો ત્યારે પહેલાં જેટલો સાથ મળશે ખરો?
હાર્દિકઃ અમે આંદોલન શરૂ કર્યું ત્યારે 10 છોકરા જ હતા, અમે લોકોને સમજાવ્યા અને લાખો લોકો અમારી સાથે આવ્યા હતા. ઓછા લોકો હશે તો પણ આંદોલન કરીશું.
નરેન્દ્રસિંહઃ તમે ત્યારે કહ્યું હતું કે હું રાજનીતિમાં નહીં જોડાઉ, પછી તમે ચુપચાપ કોંગ્રેસમાં જોડાઈ ગયા?
હાર્દિકઃ હું અડધું આંદોલન છોડીને નથી આવ્યો, 10 ટકા અનામત અપાવ્યા પછી કોંગ્રેસમાં જોડાયો છું.
નરેન્દ્રસિંહઃ હવે રાજનીતીમાં છો ત્યારે લોકો તમારો વિશ્વાસ કરશે?
હાર્દિકઃ હું આંદોલન પતાવીને આવ્યો છું. મે લોકોને ફાયદો અપાવ્યો છે. પછી કોંગ્રેસમાં જોડાયો છું, હું કેમ આંદોલન ન કરું. આંદોલન પતી ગયા પછી હું આ નિર્ણય કેમ ન કરી શકું?
નરેન્દ્રસિંહઃ તમે આ આંદોલન કોંગ્રેસના નેતા તરીકે કરવાના છો કે એક આંદોલનકારી તરીકે?
હાર્દિકઃ લોકો જ માને તે, મારે સારું જ કરવાનું છે. તમે પ્રેસકોન્ફરન્સ જોઈ લેજો
નરેન્દ્રસિંહઃ ભાજપ આક્ષેપ કરે છે કે અસ્તિત્વ માટે હાર્દિક આ કરી રહ્યો છે?
હાર્દિકઃ ભાજપ થોડી મારા માસીની છોકરી છે. તેતો આક્ષેપ જ કરે, તે લોકોને નોકરી આપવાનું અને બહેનો દીકરીઓની સલામતી માટે કામ કરે મારા પર આક્ષેપો ન કરે.
નરેન્દ્રસિંહઃ હાર્દિક પટેલ કોંગ્રેસના જાહેર કાર્યક્રમોમાં કેમ દેખાતા નથી?
હાર્દિકઃ હાર્દિક પટેલ બીજા રાજ્યમાં હોય ત્યારે જાહેરમાં જોવા નથી મળતો, બાકી હું હોઉં છું. થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં કાર્યક્રમમાં હતો જ.
નરેન્દ્રસિંહઃ તમે પોસ્ટર બોય બની ગયા છો?
હાર્દિકઃ હું અન્ય કાર્યક્રમમાં હોઉ તો હવામાં ઉડીને ન આવી શકુંને, UPમાં મને જવાબદારી આપવામાં આવી છે.
નરેન્દ્રસિંહઃ તમે વ્યક્તિગત ભલે દેખાતા હોય, પણ પક્ષના લોકો માટેના કાર્યક્રમોમાં કેમ દેખાતા નથી?
હાર્દિકઃ હું વ્યક્તિગત કાર્યક્રમો પણ લોકો માટે જ કરૂં છું. (તેણે પક્ષના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેવા કેટલાક કાર્યક્રમોના ફોટા બતાવ્યા)
નરેન્દ્રસિંહઃ કોંગ્રેસના નેતા તરીકે આંદોલન કરવાના છો કે નહીં?
હાર્દિકઃ (વારંવાર સવાલ ઉડાવી દેવાના પ્રયાસો કર્યા હતા પછી કહ્યું) હું સામાજિક રીતે કરીશ અને કોંગ્રેસનો નેતા તો છું જ.
નરેન્દ્રસિંહઃ 23મી સુધીમાં કેસ પાછા નહીં ખેચાય તો શું કરશો?
હાર્દિકઃ થોડીવાર વિચાર કરીને કહ્યું કે લોકોની વચ્ચે જઈશું. લોકોને સમજાવીશું, અમારું આંદોલન સફળ થયું છે અમારું આંદોલન ખોટું હોય તો 10 ટકા અનામત કેમ આપવું પડ્યું. અમે જ નહીં ભાજપના સંસંદો પણ સરકારમાં રજૂઆત કરવા ગયા હતા. વારંવાર સરકાર વાયદો આપે છે કે કેસ પાછા ખેચવાના છે પણ કેમ ખેચાતા નથી.
નરેન્દ્રસિંહઃ 23મી માર્ચ પછી શું કરશો?
હાર્દિકઃ સભાઓ કરશું, લોકોને એકઠા કરશું, સરકારને સવાલ કરશું, ગામડાંઓમાં લોકો ભાજપના લોકો પાસે જવાબ માગશે. સમાજને આપેલું વચન પૂરું કરો.
નરેન્દ્રસિંહઃ તો તમે સામાજિક રીતે આંદોલન કરશો?
હાર્દિકઃ હું રાજકીય નેતા છું પણ સમાજનું આંદોલન સામાજિક રીતે થશે.
આ પણ વાંચોઃ બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે
Published On - 7:21 pm, Mon, 21 February 22