
શિયાળામાં ઠંડા પવન અને ઓછી ભેજના કારણે શુષ્ક થવાની સમસ્યા વધી શકે છે. આ ખાસ કરીને ચહેરા અને હાથની ત્વચા પર તેની અસર જોવા મળે છે. આવી સ્થિતિમાં મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાવવું અનિવાર્ય છે.

દૂધની મલાઈનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ ઘરેલુ સ્કિન કેર માટે પણ કરવામાં આવે છે. તેમાં રહેલી ચરબી ત્વચાને નરમ અનુભવ કરાવી શકે છે. મલાઈને સારી રીતે ફેંટીને તેમાં અન્ય મોઇશ્ચરાઇઝિંગ સામગ્રી ઉમેરવાથી ક્રીમી મિશ્રણ તૈયાર થાય છે. જોકે, ઓઇલી અને ખીલવાળી ત્વચા ધરાવતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

મલાઈમાંથી હોમમેડ Cold Cream બનાવવા માટે તાજી દૂધની મલાઈ, બદામનું તેલ, મધ, ગુલાબજળ અને ગ્લિસરીન જેવી સામગ્રીની જરૂર પડે છે. આ ઉપરાંત નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ બધી સામગ્રીને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને ઘરે જ ક્રીમી ટેક્સચર ધરાવતું મિશ્રણ તૈયાર કરી શકાય છે.

ક્રીમ બનાવવાની શરૂઆત તાજી મલાઈથી કરો. એક સ્વચ્છ વાસણમાં મલાઈ લઈને ચમચી અથવા વ્હિસ્કની મદદથી તેને સારી રીતે ફેંટો. મલાઈ નરમ અને ક્રીમી બને ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો. ધ્યાન રાખો કે વાસણ અને ઉપયોગમાં લેવાતાં સાધનો સ્વચ્છ હોવાં જોઈએ, જેથી તૈયાર મિશ્રણમાં બહારની ગંદકી ભળવાની શક્યતા ઓછી રહે.

હવે ફેંટેલી મલાઈમાં બદામનું તેલ અને થોડું મધ ઉમેરો. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલ મિક્સ કરો. આ બધી સામગ્રીને બરાબર ફેંટવાથી એકસરખું ક્રીમી મિશ્રણ તૈયાર થશે. દરેક સામગ્રીની માત્રા મર્યાદિત રાખવી અને ચહેરા પર ઉપયોગ કરતાં પહેલાં પેચ ટેસ્ટ કરવો જરૂરી છે.

ક્રીમના મિશ્રણમાં છેલ્લે ગુલાબજળ અને થોડું ગ્લિસરીન ઉમેરો. ત્યારબાદ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ રીતે તમારી હોમમેડ Cold Cream તૈયાર થઈ જશે. તેને સ્વચ્છ, હવાચુસ્ત કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખો. તેમાં પ્રિઝર્વેટિવ ન હોવાથી લાંબા સમય સુધી સંગ્રહ ન કરો અને થોડા પ્રમાણમાં જ તૈયાર કરો.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.