
નદીનું પાણી સામાન્ય રીતે મીઠું હોય છે, કારણ કે તેમાં ક્ષારનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જ્યારે નદીઓનું પાણી દરિયામાં મળે છે, ત્યારે તેમાં રહેલા ક્ષાર દરિયામાં જમા થતો જાય છે. સૂર્યની ગરમીથી દરિયાનું પાણી બાષ્પીભવન થઈ જાય છે, પરંતુ ક્ષાર ત્યાં જ રહી જાય છે. તેથી દરિયાનું પાણી ખારું બને છે.

નદીનું પાણી પીવામાં મીઠું અને તાજું લાગે છે, જ્યારે એ જ પાણી દરિયામાં પહોંચ્યા પછી ખારું બની જાય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આવું કેમ થાય છે. હકીકતમાં, પાણીની સફર દરમિયાન થતા કુદરતી ફેરફારોને કારણે દરિયાનું પાણી ખારું બની જાય છે.

વરસાદનું પાણી શરૂઆતમાં એકદમ સ્વચ્છ અને મીઠું હોય છે, કારણ કે તે પાણીની વરાળમાંથી બને છે. ત્યારબાદ જ્યારે આ પાણી પર્વતો, જંગલો અને મેદાનોમાંથી વહે છે, ત્યારે રસ્તામાં આવેલા પથ્થરો અને માટીમાંથી કેટલાક ખનિજો અને ક્ષાર પોતાની સાથે લઈ જાય છે.

જ્યારે નદી પથ્થરો અને જમીનમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં સોડિયમ, ક્લોરાઇડ જેવા ક્ષાર અને અન્ય ખનિજો થોડા પ્રમાણમાં ભળી જાય છે. પરંતુ નદીનું પાણી સતત વહેતું રહે છે અને વરસાદથી નવું પાણી પણ મળતું રહે છે, તેથી આ ક્ષાર નદીમાં વધુ પ્રમાણમાં જમા થતું નથી. આ કારણે નદીનું પાણી મોટાભાગે મીઠું અને તાજું રહે છે. હવે જાણીએ કે દરિયાનું પાણી ખારું કેમ બને છે.

સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ વધારે કેમ હોય છે, તે પણ એક રસપ્રદ વાત છે. નદીઓ સતત વહેતી હોવાથી તેમાં રહેલા ક્ષાર આગળ વધતા રહે છે અને નદીમાં જમા થતા નથી. પરંતુ આખરે આ તમામ નદીઓનું પાણી સમુદ્રમાં જઈને મળે છે. નદીઓ પોતાની સાથે લાવેલા ક્ષાર વર્ષો સુધી સમુદ્રમાં ઉમેરાતા રહે છે, તેથી ત્યાં ક્ષારનું પ્રમાણ ધીમે ધીમે વધી જાય છે.

વિવિધ અહેવાલો મુજબ, દુનિયાભરની નદીઓ દર વર્ષે અંદાજે 4 અબજ ટન જેટલા ઓગળેલા ક્ષાર સમુદ્રમાં પહોંચાડે છે. સમુદ્રમાંથી આ ક્ષાર બહાર નીકળવાનો કોઈ સીધો માર્ગ નથી, તેથી તે વર્ષો સુધી ત્યાં જમા થતા રહે છે. પરિણામે સમુદ્રના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે અને તેનું પાણી ખારું બની જાય છે.

સમુદ્રના પાણીને ખારું બનાવવામાં માત્ર નદીઓ જ નહીં, પરંતુ સૂર્યની ગરમી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સૂર્યના તાપથી દરિયાનું પાણી બાષ્પીભવન થઈને વાદળોમાં ફેરવાય છે, પરંતુ તેમાં રહેલા ક્ષાર સમુદ્રમાં જ રહી જાય છે. આ પ્રક્રિયા લાખો વર્ષોથી સતત ચાલતી હોવાથી સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ વધતું ગયું છે, જેના કારણે દરિયાનું પાણી ખારું રહે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)