
રક્ષાબંધન પર ભાઈના કાંડા પર તો રાખડી બાંધવામાં આવે છે, પરંતુ આજકાલ ઘણી જગ્યાએ ભાભીને પણ રાખડી બાંધવાની પરંપરા જોવા મળે છે. ભાભીને રાખડી બાંધવા પાછળ એક ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા જોડાયેલી છે. ત્યારે ચાલો જાણીએ કે કેમ ભાઈની સાથે હવે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે.

રક્ષાબંધન સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ છે. મહાભારતના એક પ્રસંગ અનુસાર, ભગવાન કૃષ્ણે શિશુપાલનો વધ કરવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તેમની આંગળી પર ઈજા થઈ હતી. કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળતું જોઈ દ્રૌપદીએ પોતાની સાડીના પાલવમાંથી કાપડનો ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધી દીધો હતો.

દ્રૌપદીના આ સ્નેહ અને રક્ષણના બંધનથી પ્રભાવિત થઈ ભગવાન કૃષ્ણે હંમેશા દ્રૌપદીની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે, તેમજ સમય જતાં રક્ષાબંધનની પરંપરામાં અનેક બદલાવ આવ્યા અને ભાઈ-બહેનના સંબંધ ઉપરાંત પરિવારના અન્ય સંબંધોને પણ તેમાં સ્થાન મળ્યું. આ જ ક્રમમાં ભાભીને રાખડી બાંધવાની પરંપરા પણ લોકપ્રિય બની છે, અને આજકાલ મોટા ભાગના લોકો ભાભીને પણ રાખડી બાંધે છે.

ભાભીને રાખડી બાંધવા પાછળ ધાર્મિક માન્યતા એ છે તે પત્નીને પતિની ‘અર્ધાંગીની’ માનવામાં આવે છે. લગ્ન બાદ પત્ની પતિ સાથે અનેક ધાર્મિક વિધિઓ, યજ્ઞ, વ્રત અને જવાબદારીઓમાં ભાગીદાર બને છે. આ કારણે બહેન માટે ભાભીનું સ્થાન પણ ભાઈ જેટલુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી કેટલીક પરંપરાઓમાં ભાઈની સાથે ભાભીને પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.

બીજી માન્યતા મુજબ પરિવારની સમૃદ્ધિ સાથે પણ ભાભીને જોડવામાં આવે છે. માન્યતા મુજબ ઘરની વહુને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે ભાભીના કાંડા પર રાખી બાંધવી પરિવારના સુખ, સમૃદ્ધિ અને સારા નસીબ સાથે જોડાયેલી માનવામાં આવે છે. મારવાડી સમાજમાં ભાભીને બાંધવામાં આવતી ‘લુંબા રાખડી’ આ પરંપરાનું ખાસ ઉદાહરણ છે.

રાખડીના રંગોને લઈને પણ કેટલીક જ્યોતિષીય માન્યતાઓ પ્રચલિત છે. કેસરી રંગની રાખડીને સૂર્ય સાથે જોડવામાં આવે છે અને તેને શુભ તથા ભાગ્યવર્ધક માનવામાં આવે છે. જ્યારે ભાભી માટે તેજસ્વી ગુલાબી રંગની રાખડીને બુધ અને શુક્રના શુભ પ્રભાવ સાથે જોડવામાં આવે છે. જોકે આ ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ છે, વૈજ્ઞાનિક રીતે તેના ફાયદા સાબિત થયેલા નથી.