
ઘણા લોકોના મનમાં એવો ડર હોય છે કે ક્રેડિટ કાર્ડ વાપરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો બેંક તેના પરિવારજનો પાસે બિલ ભરાવશે. જોકે, બેંકિંગ નિયમો અનુસાર, ક્રેડિટ કાર્ડ એ એક અસુરક્ષિત લોન (Unsecured Loan) છે. આથી કાર્ડધારકના મૃત્યુ પછી તેના પરિવાર પર સીધો આર્થિક બોજ નાખી શકાતો નથી. બેંક સૌથી પહેલા મૃતક વ્યક્તિના નામે રહેલી સંપત્તિઓમાંથી જ પોતાના બાકી નાણાં વસૂલ કરવાનો પ્રયાસ કરે છે.

ક્રેડિટ કાર્ડનું દેવું ચૂકવવા માટે મૃતકની તમામ અંગત સંપત્તિઓ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમના બેંક ખાતામાં પડેલી રોકડ રકમ, ફિક્સ ડિપોઝિટ (FD), શેરો અને મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલું રોકાણ, ઘર, ગાડી કે અન્ય મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જો કોઈ એવી વીમા પોલિસી હોય કે જેમાં કોઈ નોમિનીની સ્પષ્ટ નોંધ ન હોય, તો તેની રકમનો ઉપયોગ પણ ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે કરી શકાય છે.

ભારતીય કાનૂન મુજબ, કાનૂની વારસદારોએ (Legal Heirs) મૃતકના ક્રેડિટ કાર્ડનું દેવું પોતાની અંગત કમાણી કે ખિસ્સામાંથી ચૂકવવાની કોઈ જરૂર હોતી નથી. વારસદારોની જવાબદારી માત્ર એટલી જ રકમ પૂરતી મર્યાદિત હોય છે, જેટલી કિંમતની મિલકત તેમને મૃતક તરફથી વારસામાં મળી હોય. ઉદાહરણ તરીકે, જો મૃતક પર ₹1.20 લાખનું દેવું હોય અને વારસદારને માત્ર ₹80 હજારની સંપત્તિ મળી હોય, તો વારસદારે માત્ર ₹80 હજાર જ આપવાના રહેશે.

જો ક્રેડિટ કાર્ડ માત્ર મૃતકના એકલાના નામે હોય, તો જ વારસાની મિલકતમાંથી વસૂલાતનો નિયમ લાગુ પડે છે. પરંતુ જો ક્રેડિટ કાર્ડ સંયુક્ત એટલે કે જોઇન્ટ ક્રેડિટ કાર્ડ (Joint Credit Card) તરીકે લેવામાં આવ્યું હોય, તો નિયમો સંપૂર્ણ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં કાર્ડધારકના અવસાન પછી પણ કાર્ડનો બીજો જીવિત જોઇન્ટ હોલ્ડર આખા બાકી બિલની ચુકવણી માટે વ્યક્તિગત રીતે કાયદાકીય જવાબદાર બને છે.

ક્રેડિટ કાર્ડ હોલ્ડરનું અવસાન થાય ત્યારે પરિવારે સૌથી પહેલું કામ બેંક કે ક્રેડિટ કાર્ડ કંપનીને સત્તાવાર જાણ કરવી જોઈએ. આનાથી કાર્ડ તાત્કાલિક બ્લોક થઈ જાય છે અને તેના પર કોઈ નવો કે ગેરકાયદેસર વ્યવહાર થતો અટકે છે. ત્યારબાદ પરિવારે ડેથ સર્ટિફિકેટ, કાનૂની વારસદાર પ્રમાણપત્ર અને વસીયત જેવા જરૂરી કાગળો બેંકમાં જમા કરાવીને તમામ ટ્રાન્ઝેક્શનનું ફાઇનલ સ્ટેટમેન્ટ ચકાસી લેવું જોઈએ.

ઘણીવાર એવું જોવા મળે છે કે પરિવારના સભ્યો કાર્ડધારકના મૃત્યુ પછી પણ તેના કાર્ડથી રોજિંદા ખર્ચાઓ કે ઓનલાઈન શોપિંગ કરવાનું ચાલુ રાખે છે. પરંતુ કાયદાની નજરમાં આ એક ગંભીર ગુનો અને નાણાકીય છેતરપિંડી (Fraud) ગણાય છે. મૃત વ્યક્તિના કાર્ડનો ઉપયોગ કરવા બદલ પોલીસ કેસ અને જેલની સજા પણ થઈ શકે છે. તેથી કાર્ડધારકના અવસાન પછી તમામ કાર્ડ તરત જ બંધ કરાવી દેવા હિતાવહ છે.

જો મૃતક પાસે એટલી મિલકત જ ન હોય જેનાથી ક્રેડિટ કાર્ડનું પૂરેપૂરું બિલ ભરી શકાય, તો બેંક પરિસ્થિતિ સમજીને સેટલમેન્ટનો રસ્તો અપનાવે છે. આવી સ્થિતિમાં બેંક કેટલીક રકમ માફ કરીને ઓછી રકમમાં એકાઉન્ટ ક્લોઝ કરી દે છે. જો મૃતક પાસે કોઈ જ મિલકત ન હોય, તો બેંક પોતાની આર્થિક નીતિઓ હેઠળ આ દેવાને રાઇટ-ઓફ (Right-off) એટલે કે સંપૂર્ણપણે માફ કરી દે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના કડક નિયમો મુજબ, બેંક કે તેના રિકવરી એજન્ટ્સ મૃતકના પરિવારજનો કે વારસદારોને માનસિક ત્રાસ આપી શકતા નથી. તેઓ વારસદારોને ધમકાવીને પૈસા માંગી શકતા નથી કે વારસામાં મળેલી મિલકત કરતાં વધુ રકમનો દાવો કરી શકતા નથી. આ ઉપરાંત અયોગ્ય સમયે ફોન કરવા કે પરિવાર સિવાયના કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મૃતકના દેવાની માહિતી શેર કરવી એ કાયદાકીય રીતે ગુનો છે.

કાર્ડધારકના મૃત્યુ સાથે જ તેનો ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર તે જ સ્થિતિમાં ફ્રીઝ થઈ જાય છે. જો બેંક દેવું રાઇટ-ઓફ કે સેટલ કરે, તો પણ તેની નકારાત્મક અસર પરિવારના અન્ય સભ્યોના ક્રેડિટ સ્કોર પર પડતી નથી. જ્યાં સુધી પરિવારનો કોઈ સભ્ય તે કાર્ડમાં જોઇન્ટ હોલ્ડર કે ગેરંટર ન હોય, ત્યાં સુધી તેમના પોતાના ક્રેડિટ પ્રોફાઈલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

ભવિષ્યમાં આવી અણધારી આફતના સમયે પરિવાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે દરેક વ્યક્તિએ પોતાની તમામ બેંક વિગતો, લોન અને ક્રેડિટ કાર્ડની માહિતી પરિવાર સાથે શેર કરવી જોઈએ. સમયસર વસીયત (Will) બનાવી રાખવી અને ક્રેડિટ કાર્ડ લેતી વખતે તેની સાથે મળતું 'ક્રેડિટ શિલ્ડ' કે બેંક ઇન્શ્યોરન્સ લેવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં વીમા કંપની જ આખું દેવું ચૂકવી આપે છે.