
ખાસ કરીને કરજણ તાલુકાના નાની કોરલ આખા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. રાહત અને બચાવની આ કામગીરીમાં ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા અને તેમના પ્રયાસોના કારણે મોટી કરોલ અને ઓઝ ગામના 700 જેટલા લોકોને પૂનિત આશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે. જ્યાં આ ગ્રામજનો માટે ભોજન સહિતની આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. કરજણ પ્રાંત કચેરી દ્વારા અહીં કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાહત અને બચાવની કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા પણ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 28 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં સાયર ગામે 10, દિવાબેટ ખાતે 3, કરનાળી ખાતેથી 2 અને અંબાલી ગામેથી 13 વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1400થી વધુ લોકોને વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.