
વડોદરા જિલ્લામાં નર્મદા અને મહી નદીના પૂરના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરજોશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. કુદરતી વિપદામાં જિલ્લા પ્રશાસન સંવેદનશીલતાથી પૂર અસરગ્રસ્તોની પડખે ઉભું છે.

ડભોઈ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત ચાણોદ અને કરનાળી ગામની આજ બપોરની સ્થિતિની વાત કરીએ તો, અહીં એકાદ સ્થળ છોડીને બધી જ જગ્યાએ સાફ-સફાઈ થઈ ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા પાણીનું ક્લોરિનેશન, ટી. સી. એલ. પાવડરનો છંટકાવ પણ થઈ ચૂક્યો હતો.

વીજ વિભાગના કર્મચારીઓની ફૌજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી અને વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ ચૂક્યો હતો. ચાંદોદ ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઠિત સર્વે ટીમ નુકસાનીનો સર્વે કરી રહી હતી. કરનાળીમાં પણ જનજીવન સામાન્ય થઈ ગયું છે. શ્રદ્ધાળુઓ પણ અહીં નિર્ભય રીતે જોવા મળ્યા હતા.

ચાણોદ અને કરનાળીમાં રોગચાળો અટકાવવા માટે મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ સતત ખડે પગે છે. ક્લોરિનની ગોળીઓ તેમજ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ કેમ્પ દ્વારા તપાસ કરી પણ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.

અસરગ્રસ્તોને જ્યારે પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે, પૂરના પાણી ઓસરતા જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ગણતરીના કલાકોમાં સફાઈ ઝૂંબેશ, આરોગ્યની દરકાર, વીજ અને પાણી પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. ચાંદોદના કરણસિંહ નામના સ્થાનિકે તો ત્યાં સુધી કહ્યું કે, આટલું ઝડપથી કામ તો ખાનગી ધોરણે પણ ના થાય. સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સુચારુ વ્યવસ્થાની તેમણે પ્રશંસા કરી હતી.