
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ અને ધારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિધિ બનવાની હાકલ કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિધિ છે. તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે. નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો છે.

અમિતભાઇ તેમની વતનભૂમિ માણસા નગરના વિકાસ માટે હંમેશાં કટિબઘ્ઘ રહ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે છે, ત્યારે કરોડોના વિકાસ કામોની ભેટ નાગરિકોને આપે છે. તેની ફલશ્રૃતિ રૂપે આજે માણસામાં એક જ દિવસમાં ૫૬ કરોડના વિકાસ કામોની ભેટ મળી રહી છે તેનો આનંદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આજદિન સુધી નાણાંના અભાવે એકપણ વિકાસ કામ અટક્યું નથી. આજે માણસામાં રૂપિયા 17 કરોડથી વધુના ખર્ચે 13 તળાવોનું ઇન્ટરલિંક અને રિચાર્જ બોરવેલ પ્રોજેકેટ અને રૂપિયા 26 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી માણસા નગરની ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે તેની ભૂમિકા તેમણે આપી હતી. (ઇનપુટ ક્રેડિટ- મનિષ કડિયા)
Published On - 9:09 pm, Fri, 31 March 23